‘ધુરંધર’ની બંને ફિલ્મોના બ્રોડકાસ્ટ રાઇટ્સ પેકેજ તરીકે એકસાથે વેચાશે
મુંબઈ, બોલીવૂડની સૌથી મોટી ફ્રેન્ચાઇઝમાંની એક બની ગયેલી ધુરંધરની પહેલી ફિલ્મ હજુ તો સફળતાપુર્વક થિએટરમાં ચાલી રહી છે અને તેના બીજા ભાગની રિલીઝની પણ ચર્ચા શરૂ થઈ ચુકી છે. ભલે આ ફિલ્મે કમાણીના બધાં રેકોર્ડ તોડી નાખ્યા પરંતુ હજુ પણ એવા ઘણા લોકો છે, જેઓ આ ફિલ્મ ટીવી પર કે ઓટીટી પર આવે તેની રાહ જોઈ રહ્યા છે.
ઘણા લોકોને એવી પણ ઇચ્છા હતી કે પહેલી ફિલ્મ ઓટોટી પર આવી જાય તો બીજી ફિલ્મ થિએટરમાં જોવા જઈ શકાય.ત્યારે હવે આ અંગે નવા અહેવાલો સામે આવ્યા છે. ધુરંધરના નિર્માતાઓ સ્પાય થ્રિલરના બંને ભાગના બ્રોડકાસ્ટ રાઇટ્સ એક જ પેકેજ તરીકે વેચવાનું વિચારી રહ્યા છે.
પહેલી ફિલ્મ વખણાઈ છે અને કમાણી કરી છે, તેનો લાભ લેવા માટે બીજી ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં જ પહેલી ફિલ્મના ટીવી બ્રોડકાસ્ટિંગ અને ડિજીટલ સ્ટ્રીમિંગના રાઇટ્સની ડીલ કરી લેવા માગે છે. જેથી તેઓ તેમાંથી પણ પુરતી આવક મેળવી શકે.
પહેલી ધુરંધરમાં રણવીર સિંહ, સંજય દત્ત, આર. માધવન, અક્ષય ખન્ના અને અર્જુન રામપાલ મુખ્ય ભૂમિકામાં હતા, ડિસેમ્બર ૨૦૨૫માં થિયેટરમાં રિલીઝ થયા બાદ પહેલેથી જ મોટી વ્યાવસાયિક સફળતા મેળવી ચૂકી છે. તેની ચોટદાર કહાની, વિશાળ સ્કેલ અને મજબૂત બોક્સ આૅફિસ પ્રદર્શનને કારણે વર્ષની સૌથી નોંધપાત્ર હિન્દી ફિલ્મોમાંની એક બની હતી.
ત્યારે હવે કેટલાક અહેવાલો અનુસાર ફિલ્મના ડિરેક્ટર આદિત્ય ધર અને જિયો સ્ટુડિયોઝ બંને ફિલ્મો માટે એક્સક્લૂસિવ લિનિયર ટ્રાન્સમિશન અને રીટ્રાન્સમિશન રાઇટ્સ આવરી લેતી લાઇસન્સ પ્રક્રિયામાં છે. તેમાં સેટેલાઇટ ચેનલ્સ, ડીટીએચ (ડાયરેક્ટ-ટુ-હોમ) સેવાઓ, આઇપીટિવી (ઇન્ટરનેટ પ્રોટોકોલ ટેલિવિઝન), કેબલ અને અન્ય મીડિયા સામેલ છે.
આ વાટાઘાટોથી પરિચિત એક સૂત્રએ જણાવ્યું, “આદિત્ય અને જિયો સ્ટુડિયોઝે સેટેલાઇટ ચેનલ્સ સાથે ચર્ચા શરૂ કરી દીધી છે. પહેલો ભાગ ૩૧ માર્ચથી ટીવી પરથી પ્રસારિત થવાની શક્યતા છે, જ્યારે બીજી ફિલ્મ ૧૯ માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે, તેના રિલીઝના ૧૧૭ દિવસ બાદ, એટલે કે લગભગ ચાર મહિના પછી ટીવી સ્ક્રીન પર આવશે.”ટ્રેડ વિશ્લેષકો આ સંયુક્ત બ્રોડકાસ્ટ રણનીતિને એક વ્યવહારુ બિઝનેસ નિર્ણય તરીકે જોઈ રહ્યા છે, જે ફ્રેન્ચાઇઝની સતત લોકપ્રિયતા પર વિશ્વાસ દર્શાવે છે.
ધુરંધરઃ ધ રિવેન્જ નામની તેની સીક્વલ માટે ઘણી ઉત્સુકતા અને અપેક્ષાઓ છે, જે માર્ચ ૨૦૨૬માં પેન-ઇન્ડિયા રિલીઝ માટે તૈયાર છે. ટ્રેડ એક્સપર્ટ તરણ આદર્શે ફિલ્મના અધિકારોની પ્રક્રિયા અંગે એક અહેવાલમાં જણાવ્યું છે, “જો આ સાચું હોય, તો આ એક વ્યવહારુ નિર્ણય છે. ભૂતકાળમાં પણ કેટલીક વખત નિર્માતાઓએ બે કે ત્રણ પ્રોજેક્ટ્સને એકસાથે જોડ્યા છે.
એ રીતે તેમને સારી રકમ મળવાની ખાતરી રહે છે. ધુરંધરે પહેલાં જ કમાણીના ઘણા રેકોર્ડ તોડી નાખ્યા હોવાથી, નિર્માતાઓ પોતાની માંગ મુજબ કિંમત માગી શકે છે.”આ બ્રોડકાસ્ટ અધિકારની પ્રક્રિયા હજુ વાટાઘાટોના તબક્કામાં છે. ટીમ ચીન, તાઇવાન અને મકાઉ સિવાયના દેશોમાં ટ્રાન્સમિશન ડીલ્સને અંતિમ સ્વરૂપ આપી રહી છે. નિર્માતાઓ અને જિયો સ્ટુડિયોઝે મીડિયા ડીલ્સ અંગે હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.SS1MS
