એમબીબીએસના દિવ્યાંગ ક્વોટામાં સીટ મેળવવા યુવાને પગ કાપ્યો
જૌનપુર, મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે લાખો વિદ્યાર્થીઓ એડી ચોટીનું જોર લગાવી, નીટ જેવી અત્યંત અઘરી પરીક્ષાનો સામનો કરે છે. ત્યારે નીટ માં બે વાર નિષ્ફળ થયા બાદ એમબીબીએસના દિવ્યાંગ ક્વોટામાં સરળતાથી પ્રવેશ મેળવી લેવા માટે યુપીના જૌનપુરના એક યુવક સુરજે જાતે જ પગ કાપી કાઢ્યાનું આઘાતજનક કારસ્તાન સામે આવ્યું છે. આ ચોંકાવનારા કૃત્ય સમગ્ર દેશના મેડિકલ જગતમાં ચર્ચાસ્પદ બની છે.
આ ઘટના પોલીસ સુધી પહોંચી છે અને તપાસ દરમિયાન સુરજની એક ડાયરીમાં અતિ મહત્ત્વકાંક્ષા ભરેલું વાક્ય લખેલું મળ્યું હતું કે,હું ૨૦૨૬માં એમબીબીએસ ડોક્ટર બનીશ.સુરજ ભાસ્કર નામના યુપીના યુવકનું આ કૃત્ય પોલીસને પણ ચોંકાવી ગયું છે.
પોલીસે કહ્યું હતું કે, સુરજે એવો દાવો કર્યાે હતો કે તેનો પગ એક હિંસક હૂમલાના લીધે કપાયો છે. જોકે પોલીસે તેની ચાલાકી સમજી લીધી હતી. પરંતુ હાલમાં પોલીસ પણ મુંઝવણમાં છે કે આવા વિચિત્ર મામલે તેની સામે ફોજદારી કાયદાની કઈ કલમો લગાવી શકાય. તે નક્કી કરવા માટે હાલ કાનૂની અભિપ્રાય પણ લેવામાં આવી રહ્યો છે.
જૌનપુર જિલ્લાના ખલીલપુર ગામમાં બનેલી ઘટનાની પોલીસ તપાસના તારણો બુધવારે અધિક પોલીસ અધિક્ષક આયુષ શ્રીવાસ્તવ સાથે શેર કરવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલો રવિવારે પ્રકાશમાં આવ્યો હતો, જ્યારે સુરજના મોટા ભાઇ આકાશે પોલીસને જણાવ્યું હતું કે કેટલાક અજાણ્યા હૂમલાખોરોએ તેના પર હૂમલો કર્યાે છે. હૂમલાના પગલે સુરજ બેભાન પણ થઇ ગયો હતો.
આ જાણકારી બાદ પોલીસે કેસ નોધીને તપાસ શરૂ કરી હતી. જે તપાસ પછીથી સિટી સર્કલ ઓફિસર ગોલ્ડી ગુપ્તાને સોંપવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને સુરજના નિવેદનોમાં વિરોધાભાસ જણાઇ આવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે તેના ફોનની તપાસ દરમિયાન એક નંબર સામે આવતા એક મહિલાની પૂછપરછ કરવામાં આવી હતી અને એના પગલે પોલીસની શંકા વધુ ઘેરી બની હતી.
તપાસમાં સૂરજની એક ડાયરી પણ મળી આવી હતી જેમાં તેણે લખ્યું હતું કે, હું ૨૦૨૬ માં એમબીબીએસ ડૉક્ટર બનીશ. નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટની પરીક્ષામાં બે વાર નાપાસ થવાથી તે માનસિક તણાવમાં સરી પડ્યો હતો એવા દાવો પણ પોલીસે કર્યાે હતો.દિવ્યાંગ ક્વોટા હેઠળ પ્રવેશ મેળવવા માટે તેણે કથિત રીતે પોતાનો પગ કાપીને પોતાને શારીરિક રીતે અપંગ જાહેર કરવાની યોજના બનાવી હતી.
આરોપીઓએ બનાવટી વાર્તા ઊભી કરીને તપાસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યાે હતો. પરંતુ સતત પૂછપરછ અને પુરાવાઓની તપાસથી તેના દાવાઓ ટકી શક્યા નહોતા. પોલીસે હાલ આગળની કાનૂની કાર્યવાહી ચાલુ રાખી છે અને સૂરજ હાલમાં એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું પોલીસે જણાવ્યું છે.SS1MS
