બોર્ડર ૨એ જુની યાદો તાજી કરી, સન્ની અને દિલજીતનો અભિનય વખણાયો
મુંબઈ, CGI અને ગ્રીન સ્ક્રીનથી ભરેલા આજના યુગમાં, નાસ્ટેલ્જિયા એ એકમાત્ર એવી “સ્પેશિયલ ઇફેક્ટ” છે, જે પૈસાથી ખરીદી શકાય તેમ નથી. બોર્ડર ૨ એ પણ કંઈક આવું જ કર્યું છે. ત્રણ કલાક વીસ મિનિટની ફિલ્મ દરમિયાન જકડી રાખે એવી ઘણી બાબતો તેમાં છે.
મેઇનસ્ટ્રીમ હિન્દી વોર ફિલ્મોની ઓળખ ઉભી કરનાર જે.પી. દત્તા સહ-નિર્માતા તરીકે જોડાયેલા છે, જ્યારે કેસરી જેવી ફિલ્મ બનાવી ચૂકેલા અનુરાગ સિંહ દિગ્દર્શનની જવાબદારી સંભાળે છે.
વાર્તા બોર્ડર ફિલ્મની જેમ જ ૧૯૭૧ની ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારીત છે, પરંતુ આ વખતે કહાની ત્રણ નવા દૃષ્ટિકોણથી આગળ વધે છે—ભારતીય સેનાના મેજર હોશિયાર સિંહ દહિયા – વરુણ ધવન, ભારતીય નૌસેનાના લેફ્ટનન્ટ કમાન્ડર એમ.એસ. રાવત – અહાન શેટ્ટી અને ભારતીય વાયુસેનાના ફ્લાઈટ ઓફિસર નિર્મલજીત સિંહ – દિલજીત દોસાંઝ, સાથે તેમના વરિષ્ઠ લેફ્ટનન્ટ કર્નલ ફતેહ સિંહ કલેર સન્ની દેઓલ.
તેમની વ્યક્તિગત સફર અને દેશપ્રત્યેની સંયુક્ત ફરજભાવના જ ફિલ્મનાં મુળમાં છે.દરેક કલાકારને પૂરતો સ્ક્રીન ટાઈમ મળે છે અને વરુણ, દિલજીત તથા અહાનની ત્રિપુટી વચ્ચેની વાતચીત અને બેકસ્ટોરી દર્શકને જોડીને રાખે છે. અનુશુલ ચોબેની સિનેમેટોગ્રાફી ખાસ નોંધપાત્ર છે—શાંત, સુંદર દૃશ્યોથી લઈને ટેન્ક અને ભારે હથિયારો સાથેના અફરાતફરીભર્યા યુદ્ધ દૃશ્યો સુધી દરેક દૃશ્ય આંખને પકડી રાખે છે. વીએફએક્સનો ઉપયોગ સ્કેલ વધારવા માટે થયો છે, પરંતુ એ ક્યાંક વધારે પણ થઈ જાય છે. ઘણા સીન અને ક્યાંક ક્યાંક પુનરાવર્તિત લાગે છે.અભિનયની દૃષ્ટિએ, સન્ની દેઓલ નિરાશ કરતો નથી. વરુણ ધવને પૂરી મહેનત કરી છે અને તે સ્પષ્ટ દેખાય છે. દિલજીત દોસાંઝ પોતાના રોલમાં ખૂબ જ આરામદાયક દેખાય છે, તેની સામે સોનમ બાજવાના કાસ્ટિંગ પણ સરસ રીતે કામ કરે છે.
જોકે, અહાન શેટ્ટી પ્રયત્ન કરે છે, પરંતુ ત્રણેયમાં તેનો ટ્રેક સૌથી નબળો લાગે છે. તેમ છતાં, તેઓ પોતાની હાજરી નોંધાવી જાય છે. જોન સ્ટ્યુઅર્ટ એડ્યુરીના બેકગ્રાઉન્ડ સ્કોર અને અનુ મલિક, મિથૂન, વિશાલ મિશ્રા, સચેત-પરંપરા અને ગુર્માેહના સંગીત માટે ખાસ પ્રશંસા થઈ છે.
૨૦૨૬ની બોલિવૂડની પહેલી મોટી રિલીઝ તરીકે રજૂ કરવામાં આવેલી ફિલ્મ અપેક્ષાઓ પર સંપૂર્ણપણે ખરી ઉતરી છે. એડવાન્સ બુકિંગના આધારે બોર્ડર ૨એ ઓપનિંગ ડે માટે ૧૨.૫ કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું હતું અને દેશભરમાં ૪ લાખથી વધુ ટિકિટો વેચાઈ હતી.
આ આંકડો ૨૦૨૫ની સૌથી મોટી હિટ ધુરંધર કરતાં પણ વધારે છે. ફિલ્મે મો‹નગ શોઝમાં સરેરાશ ૨૦% ઓક્યુપન્સી નોંધાવીને મજબૂત શરૂઆત કરી. પંજાબ, ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા માસ સેન્ટર્સમાં ફિલ્મનો પ્રતિસાદ ખાસ નોંધપાત્ર રહ્યો.
ચંદીગઢ જેવા શહેરોમાં મો‹નગ શોઝમાં ૪૨% સુધી ઓક્યુપન્સી જોવા મળી. શુક્રવારે સાંજે ૫ વાગ્યા સુધી બોર્ડર ૨એ ભારતમાં ૧૩.૯૮ કરોડનું નેટ કલેક્શન કર્યું હતું. અંદાજ મુજબ, બોર્ડર ૨ ધુરંધર ૨૯ કરોડ અને છાવાનો ૩૨ કરોડના ઓપનિંગ ડે કલેક્શનને પાર કરશે.SS1MS
