પોલીસ દળ દ્વારા ગાર્ડ ઓફ ઓનર થકી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને વિશેષ સન્માન અપાયું
એટહોમ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોનું ઉષ્માપૂર્વક સ્વાગત કરતાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં છેલ્લા ૧૧ વર્ષમાં દેશની સેના અને સીમાઓ વધુ મજબૂત બની:- રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
આજે ગુજરાત દેશના અન્ય રાજ્યો માટે રોલ મોડેલ બનીને ઉભર્યું છે:- રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
નર્મદાના નીરથી વાવ – થરાદ જિલ્લો સમૃદ્ધ બન્યો:- રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
૭૭માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ થરાદના મલુપુર ખાતે યોજાયેલા એટ હોમ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આમંત્રિત મહેમાનોને હ્રદયપૂર્વક આવકાર્યા હતા. આ અવસરે પોલીસ દળ દ્વારા ગાર્ડ ઓફ ઓનર થકી રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીને વિશેષ ગૌરવભેર સન્માન અપાયું હતું. આ વેળાએ પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રગાનની ધૂનની પ્રસ્તુતી કરવામાં આવી હતી. એટ હોમ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી, મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોર અને મંત્રીશ્રી પ્રવીણભાઈ માળી પણ વિશેષ ઉપસ્થિત રહ્યાં હતા.

આ ખાસ અવસરે આમંત્રિત મહેમાનોને ૭૭માં પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, દેશના વડાપ્રધાનશ્રી તથા તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય પર્વની ઉજવણી માત્ર પાટનગર ગાંધીનગર સુધી સીમિત રાખવાને બદલે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ઉજવવાની પરંપરા શરૂ કરી હતી.
આજે ખુશીની વાત છે કે સરકાર દ્વારા વાવ – થરાદને નવીન જિલ્લા તરીકે સ્થાપિત કરીને સરહદી વિસ્તારના નાગરિકોને મહત્વપૂર્ણ ભેટ આપવામાં આવી છે. નવીન જિલ્લાના નિર્માણથી આ વિસ્તારના નાગરિકોની સુખાકારીમાં નોંધપાત્ર વધારો થશે.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, આપણો દેશ ગુલામીની જંજીરોમાંથી મુક્ત થયો છે, જેના માટે અનેક નામી અને અનામી ક્રાંતિકારીઓએ પોતાના બલિદાન આપ્યા છે. તેમની શૌર્યગાથાઓ યુવા પેઢી સુધી પહોંચાડવી એ આપણી ફરજ છે. આવનાર પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમણે કઠોર પરિશ્રમ અને અસંખ્ય વેદનાઓ સહન કરી આપણને આઝાદી અપાવી હતી. મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ સહિત અનેક મહાન વ્યક્તિત્વોએ આઝાદી માટે સંઘર્ષ કર્યો હતો. આજે ભારત વિશ્વના શક્તિશાળી દેશોની હરોળમાં સ્થાન મેળવી ચૂક્યું છે. એક તરફ આપણે ટેકનોલોજીમાં ઝડપથી આગળ વધી રહ્યા છીએ, તો બીજી તરફ સરહદી વિસ્તારોના નાગરિકો પોતાની અનોખી સંસ્કૃતિ અને વિરાસતને સંરક્ષિત રાખી રહ્યા છે.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની દશા અને દિશા બંને બદલાઈ છે. દેશના વિકાસ, વિરાસત અને ગૌરવ માટે નોંધપાત્ર કામગીરી થઈ છે. છેલ્લા ૧૧ વર્ષમાં દેશની સેનાઓ અને સીમાઓની સુરક્ષા વધુ મજબૂત બની છે. છેલ્લા આઠ વર્ષમાં સામાજિક અને આર્થિક રીતે દેશના અંદાજે ૨૫ કરોડ નાગરિકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. દેશના દરેક ખૂણે રોડ કનેક્ટિવિટીનું વિસ્તરણ અને રેલ્વેનું આધુનિકીકરણ કરવામાં આવ્યું છે.
તેમણે જણાવ્યું કે, એક સમય એવો હતો જ્યારે ગુજરાતમાં સોય પણ બનતી નહોતી, જ્યારે આજે વડોદરામાં કાર્ગો વિમાનનું નિર્માણ થઈ રહ્યું છે. રાજ્યમાં સેમીકન્ડક્ટર, ઓટોમોબાઇલ હબ સહિત ઔદ્યોગિક ક્ષેત્રે ક્રાંતિ આવી છે. આજે ગુજરાત દેશના અન્ય રાજ્યો માટે રોલ મોડેલ બનીને ઉભર્યું છે.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના અતિશય ઉપયોગથી જમીનની ગુણવત્તા ઘટી રહી છે અને માનવ સ્વાસ્થ્ય પર પણ ગંભીર જોખમ ઊભું થયું છે. રાસાયણિક ખેતીનો વધતો ખર્ચ ખેડૂતોને સમૃદ્ધિથી વંચિત રાખે છે. આજે લાખો ખેડૂતોએ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવીને જમીનને ફળદ્રુપ અને ઝેરમુક્ત બનાવી છે. ગુણવત્તાયુક્ત પેદાશોની બજારમાં વધતી માંગને કારણે ખેડૂતોની આવકમાં વધારો થશે અને સમૃદ્ધિના દ્વાર ખુલશે. પચાસ વર્ષ પહેલા જે અનેક બિમારીઓ વિશે આપણે અજાણ હતા, આજે તેવી અવનવી બિમારીઓ જોવા મળી રહી છે, જેના માટે રાસાયણિક ખાતરો અને દવાઓ મુખ્ય કારણ બની રહી છે.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, વાવ – થરાદ જિલ્લો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર આધારિત છે. અહીંના ખેડૂતોએ ધરતી માતાનું ઋણ અદા કરવા માટે પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કર્યું છે, તે જાણીને મને અત્યંત આનંદ થાય છે. બનાસ ડેરીના માધ્યમથી આજે અહીંના પશુપાલકો આત્મનિર્ભર બન્યા છે. એક સમય એવો હતો જ્યારે અહીં રેતીના ટીલા જોવા મળતા હતા, પરંતુ આજે નર્મદા મૈયાના નીરથી આ સમગ્ર વિસ્તાર હરિયાળો અને સમૃદ્ધ બન્યો છે.
આ પ્રસંગે મુખ્ય સચિવશ્રી એમ.કે.દાસ, અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવશ્રી સંજીવ કુમાર, પોલીસ મહા નિર્દેશકશ્રી કેએલએન.રાવ, ધારાસભ્યશ્રી, પદાધિકારીઓ, વરિષ્ઠ અધિકારીઓ, સમાજ શ્રેષ્ઠીઓ, સરપંચશ્રીઓ, એક્સ આર્મી, ખેડૂતો, અગ્રણી ઉદ્યોગપતિઓ, આરોગ્ય કર્મીઓ, સ્વૈચ્છિક સંસ્થાના પ્રમુખ, ખાદ ઉત્પાદક સંગઠન, ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા રમતવીરો, પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.
