Western Times News

Gujarati News

શહેરની ૯૦૦થી વધુ હોટલો અને ગેસ્ટ હાઉસોમાં સર્ચ ઓપરેશન

(પ્રતિનિધિ) અમદાવાદ: અમેરિકાના રાષ્ટ્રીય પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવવાના છે ત્યારે અમદાવાદ શહેરમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ગઈકાલે રાત્રે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા શહેરભરમાં આવેલી ૯૦૦થી વધુ હોટલો અને ગેસ્ટહાઉસોમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને તમામ પ્રવાસીઓના ડેટા એકત્ર કરવામાં આવ્યા હતા પોલીસ કંટ્રોલ દ્વારા એકલવ્ય સોફટવેરની મદદથી હોટલો અને ગેસ્ટ હાઉસોમાં ઉતરતા પ્રવાસીઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઐતિહાસિક મુલાકાત યોજાવાની છે ત્યારે રાજયભરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા શહેરમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે. અમેરિકા અને કેન્દ્રના સુરક્ષા અધિકારીઓ દ્વારા ગુજરાત પોલીસની આ કાર્યવાહી પર સતત નજર રાખવામાં આવી રહી છે. રાજયભરની પોલીસને સ્ટેન્ડ ટુ નો આદેશ આપી દેવાયો છે અને આસપાસના જિલ્લાઓમાંથી પોલીસ અધિકારીઓને ખાસ ર૩મીથી અમદાવાદ બોલાવી લેવામાં આવ્યા છે

આ માટેના આદેશો પણ કરી દેવાયા છે. બીજીબાજુ રાજયના ગૃહવિભાગ દ્વારા સુરક્ષાની કામગીરીનું સતત મોનીટરીંગ કરવામા આવી રહયું છે. અમદાવાદ શહેરમાં પોલીસ અધિકારીઓ દ્વારા ઠેરઠેર ચેક પોઈન્ટો ગોઠવવામાં આવ્યા છે અને રાત્રિ દરમિયાન વાહનોનું ચેકિંગ સઘન બનાવવામાં આવ્યું છે.

અમદાવાદમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની આગેવાનીમાં બનેલી જુદી જુદી ટીમોએ ગઈકાલે રાત્રે શહેરમાં આવેલી હોટલો અને ગેસ્ટહાઉસોમાં વ્યાપક પ્રમાણમાં સર્ચ ઓપરેશન કર્યું હતું. ૯૦૦થી વધુ સ્થળો પર પોલીસે કરેલા સર્ચ ઓપરેશનમાં તમામ હોટલો અને ગેસ્ટ હાઉસોના પ્રવાસીઓની નોંધ સાથેના ચોપડા તપાસવામાં આવ્યા હતા તથા તમામ હોટલો અને ગેસ્ટ હાઉસોના સંચાલકો એકલવ્ય સોફટવેરનો ઉપયોગ કરે છે કે નહી તેની તપાસ પણ કરવામાં આવી હતી. કેટલાક સ્થળો પર બેદરકારી દાખવવામાં આવતી હોવાની જાણ થતાં જેતે હોટલના સંચાલકોને કડક તાકિદ કરવામાં આવી હતી.

અમદાવાદ શહેરમાં હોટલો, ગેસ્ટહાઉસો ઉપરાંત જાહેર રોડ ઉપર પડી રહેલાં વાહનો અને ભંગારનું પણ સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરમાં પોલીસ ઉપરાંત બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડની પણ મદદ લેવામાં આવી રહી છે. ખાસ કરીને સાબરમતી, મોટેરા અને ગાંધી આશ્રમની આસપાસના વિસ્તારોમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.