માર્ચ પાસ્ટ, ડોગ-અશ્વ શો સહિત જવાનોના અવનવા કરતબોએ પ્રેક્ષકોને અચંબિત કર્યા
૭૭મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી વાવ – થરાદ જિલ્લા માટે ગૌરવશાળી ક્ષણ-રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ધ્વજવંદન કરીને રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિ: ધ્વજ વંદન સમારોહની ભવ્યતા અને ઉત્સાહમાં ઉમેરો
થરાદના મલુપુર પરેડ ગ્રાઉન્ડ ખાતે વિશાળ જનમેદની વચ્ચે તિરંગાને પુષ્પવર્ષા થકી વિશેષ સન્માન આપતું વાયુદળ
વિકાસ,વિશ્વાસ અને વિરાસતનું પ્રતીક વાવ – થરાદ જિલ્લામાં ૭૭મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. થરાદના મલુપુર પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ધ્વજવંદન કરીને રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી હતી. આ ખાસ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહીને ધ્વજવંદન સમારોહની ભવ્યતામાં વધારો કર્યો હતો.
આ વેળાએ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ માર્ચ પાસ્ટ નિરીક્ષણ કર્યું હતું. તેઓની સાથે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા. વાયુદળે હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરીને તિરંગાની આન, બાન, શાનને ઉજાગર કર્યું હતું. પરેડ માર્ચ પાસ્ટના માધ્યમથી શૌર્ય અને સમર્પણને ઉજાગર કરતાં પોલીસ જવાનોની વિવિધ ૨૨ ટુકડીમાં કુલ ૮૧૦ જવાનોએ રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી હતી.

રાષ્ટ્રધ્વજનું સન્માન અને સલામી
દેશભક્તિના ઉમંગભર્યા વાતાવરણ વચ્ચે ગુજરાતની વિકાસગાથાને અવિરત આગળ વધારવાના સંકલ્પ સાથે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ, અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી સહિત સમારોહમાં ઉપસ્થિત જનપ્રતિનિધિશ્રીઓ, પ્રશાસનના અધિકારીઓ, સમાજ શ્રેષ્ઠીઓ, અતિથિગણ, યુવાપેઢી, મહિલાઓ-બાળકો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોએ દેશભક્તિના જુવાળ સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. ફન ફેર હર્ષ ધ્વનિએ રાષ્ટ્રીય પર્વને સોહામણો બનાવ્યો હતો.
માર્ચ પાસ્ટ
પોલીસ બેન્ડની મધુર સુરાવલિ સાથે પોલીસના જવાનોની શિસ્તબદ્ધ પરેડ અને માર્ચ-પાસ્ટ યોજાઈ હતી. ચેતક કમાન્ડો, મરીન કમાન્ડો, એસઆરપીના જવાનો, પોલીસના વિવિધ સંલગ્ન મહિલા-પુરુષ પ્લાટૂન, એસપીસી, સૈનિક સ્કૂલ, એનસીસી, એનએનએસના કેડેટ્સની આ પરેડને ઉપસ્થિત સૌએ મજા માણી હતી.
આ ઉપરાંત ચેતક કમાન્ડોના બુલેટ પ્રૂફ વાહનોનું નિદર્શન (ટેબ્લો), દિલધડક મોટર સાઈકલ સ્ટંટ શો તેમજ રાજ્યના ગૌરવવંતા ગુજરાત શ્વાનદળ, ગુજરાત અશ્વદળના સુંદર કરતબોની પ્રસ્તુતિ દ્વારા સૌ કોઈ રોમાંચિત થયા હતા. વધુમાં પોલીસ વિભાગ દ્વારા રાજ્યોના વિવિધ પરંપરાગત નૃત્યની પ્રસ્તુતિ સાથે વીરરસથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો હતો. શાળાના વિદ્યાર્થીઓએ અલગ અલગ થીમ આધારે કૃતિઓ રજૂ કરી હતી.
પરેડમાં શિસ્ત અને અનુશાસનની અદ્વિતીય ઝલક નિહાળતાં રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીએએ જવાનોના શ્રેષ્ઠ પ્રદર્શન અને સમર્પણના ભાવનાની પ્રશંસા કરી હતી.
