અમેરિકાના હુમલાના ભયે ખામેનેઈ બંકરમાં છુપાયા
તેહરાન, અમેરિકાના હુમલાના ભયથી ઈરાનના સર્વાેચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેની તેહરાનમાં એક કિલ્લેબંધીવાળા અંડરગ્રાઉન્ડ બંકરમાં છુપાઈ ગયા હોવાનું માનવામાં આવે છે.
અમેરિકાના યુદ્ધજહાજો આગળ વધી રહ્યાં હોવાના અહેવાલ વચ્ચે ઇરાનના વરિષ્ઠ લશ્કરી અને સુરક્ષા અધિકારીઓએ અમેરિકાના હુમલાનું જોખમ દર્શાવ્યું હતું, એમ ઈરાન ઈન્ટરનેશનલે બે સત્તાવાર સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું. રીપોર્ટમાં જણાવ્યા મુજબ આ બંકર વિવિધ સુરંગોથી જોડાયેલું છે અને યુદ્ધની સ્થિતિમાં તેમાં અભેદ સુરક્ષા વ્યવસ્થા છે.
સર્વાેચ્ચ નેતાના ત્રીજા પુત્ર મસૂદ ખામેનીએ તેમના પિતાની ઓફિસની દૈનિક કામગીરી સંભાળી લીધી હતી.અમેરિકન નૌકાદળનું યુદ્ધજહાજ આર્મડા મધ્ય પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે તેવી અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી પછી તેહરાન અને વોશિંગ્ટન વચ્ચે તણાવમાં ફરી તીવ્ર વધારો થયો હતો.
પોતાના વિમાન એરફોર્સ વન પર બોલતા ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકા આ વિસ્તારની નજીક યુદ્ધજહાજો તૈનાત કરી રહ્યું છે, કારણ કે જો જરૂર પડે તો તેઓ ઇરાન વિરુદ્ધ કાર્યવાહીનો નિર્ણય કરી શકે. નામ જાહેર ન કરવાની શરતે અમેરિકાના નૌકાદળના એક અધિકારીએ જણાવ્યું હતું કે વિમાનવાહક જહાજ યુએસએસ અબ્રાહમ લિંકન અને અનેક ગાઇડેડ-મિસાઇલ ડિસ્ટ્રોયર જહાજો હાલમાં હિંદ મહાસાગરમાં તૈનાત છે અને આગામી દિવસોમાં મધ્ય પૂર્વમાં કૂચ કરશે.
અમેરિકા અને ઇઝરાયેલના એરબેઝની સુરક્ષા માટે વધારાની એર ડિફેન્સ સિસ્ટમ પણ આ વિસ્તારોમાં ખસેડવામાં આવશે. બ્રિટનને જણાવ્યું હતું કે કતારની વિનંતીને પગલે તે આરએએફ યુરોફાયટર ટાઈફૂન જેટ કતારમાં મોકલશે.
અમેરિકા સાથે તણાવપૂર્ણ સંબંધો વચ્ચે યુએન માનવાધિકાર કાઉન્સિલમાં એક ઠરાવનો વિરોધ કરવા બદલ ભારત ખાતેના ઇરાનના રાજદૂત મોહમ્મદ ફતાલીએ ભારતનો આભાર માન્યો હતો. એક દુર્લભ જાહેર નોંધમાં તેમણે ભારતના મતદાનને સૈદ્ધાંતિક અને મક્કમ વલણ ગણાવ્યું હતું. યુએન હ્યુમન રાઇટ્સ કાઉન્સિલમાં રજૂ કરાયેલા ઠરાવમાં ઈરાનના માનવ અધિકાર રેકોર્ડની વધુ તપાસ કરવાની માગણી કરાઈ હતી.SS1MS
