Western Times News

Gujarati News

ભારતીયો માટે ‘અમેરિકન ડ્રીમ’ ધીમે ધીમે સમાપ્ત થવા માંડ્યું

નવી દિલ્હી, ભારતીય વર્કર્સ માટે ‘અમેરિકન ડ્રીમ’ હવે ધીમે ધીમે ખતમ થતું જણાય છે, ખાસ કરીને અમેરિકા ખાતે ટેકનોલોજી ક્ષેત્રમાં નોકરી કરનારા માટે સ્થિતિ વધુ વણસતી દેખાય છે.

હવે અમેરિકાથી ભારત પરત ફરી રહેલા ટેકનોલોજી ક્ષેત્રના નોકરિયાતોની સંખ્યા વધી રહી છે, જે આશ્ચર્યજનક છે. લાંબા સમય પછી માઇગ્રેશનનું દિશા-પરિવર્તન થતું જોવા મળી રહ્યું છે.

પહેલા ભારતીયો અમેરિકા જવા માટે આતુર રહેતા હતા, હવે તેઓ પરત આવવા માટે તૈયાર દેખાઈ રહ્યા છે. આ પરિવર્તન ચોંકાવનારું છે.બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, જાબ પોસ્ટિંગ વેબસાઇટ લિંકડઇનના ડેટા પરથી જાણવા મળે છે કે ૨૦૨૫ના ત્રીજા ત્રણ મહિનામાં એવા લોકોની સંખ્યા ૪૦ ટકા વધી છે, જેમણે પોતાનું જાબ લોકેશન બદલીને ભારત કર્યું છે.

કોઈ પણ ટેક-વર્કર માટે અમેરિકા ખાતે નોકરી કરવી કારકિર્દી માટે શ્રેષ્ઠ માનવામાં આવતી હતી, પરંતુ હવે આ દૃશ્ય બદલાઈ રહ્યું છે અને ભારતીયો પોતાના દેશમાં નોકરી શોધી રહ્યા છે.અહીં પ્રશ્ન એ ઊભો થાય છે કે ભારતીય ટેક વર્કર્સ અમેરિકા છોડીને પોતાના દેશમાં શા માટે પરત ફરી રહ્યા છે? હકીકતમાં તેનો મુખ્ય જવાબ એચ-૧બી વિઝા છે.

અમેરિકા ખાતે ટેક સેક્ટરમાં નોકરી માટે એચ-૧બી વિઝા આપવામાં આવે છે, પરંતુ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દ્વિતીય કાર્યકાળમાં ત્યાંની સરકારની વિઝા નીતિમાં ભારે અનિશ્ચિતતા જોવા મળી છે. દર વર્ષે ૬૫ હજાર એચ-૧બી વિઝા આપવામાં આવે છે, જેમાં ભારતીયો સૌથી અગ્રસ્થાન રહે છે.

આ ઉપરાંત અમેરિકા ખાતે ડિગ્રી મેળવી હોય તેવા ૨૦ હજારને વિઝા મળે છે. આ શ્રેણીમાં પણ ભારતીયોને મોટી સંખ્યામાં વિઝા મળે છે.પરંતુ ટ્રમ્પ સરકારે એચ-૧બી વિઝા અંગે બે મોટા ફેરફાર કર્યા છે, જેના કારણે ભારતીયો માટે અમેરિકા ખાતે નોકરી મેળવવી અને ત્યાં રહેવું મુશ્કેલ બન્યું છે. પ્રથમ, વિઝા ફી વધારીને ૧ લાખ ડોલર કરી દેવામાં આવી છે. તેના કારણે હવે કંપનીઓ માટે આ ભારે ફી ભરવી પડે છે, જેનાથી ભારતીય વર્કર્સને નોકરી મળવી મુશ્કેલ બની છે. બીજી તરફ, લોટરી સિસ્ટમ પણ રદ કરવામાં આવી છે.

આ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ માટે ડિગ્રી પૂર્ણ કર્યા પછી એચ-૧બી વિઝા મેળવવા વધુ મુશ્કેલ છે. કારણ કે નવી વિઝા સિસ્ટમમાં ઊંચી સેલરી હોય ત્યારે જ એચ-૧બી મળવાની શક્યતા છે. શરૂઆતમાં વિદ્યાર્થીઓની સેલરી ઓછી હોવાના કારણે વિઝા મેળવવું કઠિન બની ગયું છે.

આ સંદર્ભમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીથી એમબીએ કરીને સપ્ટેમ્બરમાં ભારત પરત આવી ક્વાંટ ફંડ ‘નવારક’ની શરૂઆત કરનાર અર્ણવ મહેતાએ જણાવ્યું, “આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને વધુ તપાસનો સામનો કરવો પડે છે, તેમને નોકરીની આૅફર ઓછી મળે છે અને તેમની કારકિર્દીમાં વિકલ્પો મર્યાદિત રહે છે. બ્લેકરોક અથવા ફેસબુક જેવી મોટી કંપનીઓ સિવાય, અન્ય કંપનીઓ માટે એચ-૧બી વિઝાધારકોને નોકરી પર રાખવા ખૂબ મુશ્કેલ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.