Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડનું વર્ષ 2026- 27 માટે 1200 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયુ

AI Image

156 કરોડો વિદ્યાર્થીઓ અને શાળાઓ પાછળ વપરાશે, -રમતગમતની કોચિંગ પાછળ 10 કરોડનો અને મ્યુઝિક માટે જાપાનની સંસ્થા સાથે MOU થશે

(પ્રતિનિધિ) અમદાવાદ,  અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મ્યુનિસિપલ સ્કૂલબોર્ડની સામાન્ય સભામાં   શાસનાધિકારી એલ.ડી.દેસાઈ  દ્વારા વર્ષ 2026- 27નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. 2025-26 ના રૂ.1143 કરોડના ડ્રાફ્ટ બજેટમાં રૂ. 57 કરોડનો વધારો કરી 2026-27 માટે 1200 કરોડનું શિક્ષણ સાથે કેળવણીનું શતાબ્દી ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આગામી નાણાકીય વર્ષ ના ડ્રાફ્ટ બજેટમાં કોમનવેલ્થ અને ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને રમતગમત માટે તૈયાર કરવા માટે ખર્ચ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

  • બજેટનું કદ: વર્ષ 2026-27 માટે રૂ. 1200 કરોડનું ‘શતાબ્દી ડ્રાફ્ટ બજેટ’ રજૂ કરવામાં આવ્યું છે, જે ગત વર્ષ કરતા રૂ. 57 કરોડ વધુ છે.

  • ખર્ચનું માળખું: કુલ બજેટના 87% રકમ (રૂ. 1044 કરોડ) પગાર-પેન્શન પાછળ, જ્યારે 10% રકમ વિદ્યાર્થી વિકાસ અને 2% રકમ માળખાકીય સુવિધાઓ પાછળ ખર્ચાશે.

  • રમતગમતને પ્રોત્સાહન: આગામી કોમનવેલ્થ અને ઓલિમ્પિક ગેમ્સને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને 56 જેટલી રમતોમાં કોચિંગ આપવા માટે રૂ. 10 કરોડની જોગવાઈ કરાઈ છે.

  • સંગીત અને આંતરરાષ્ટ્રીય સહયોગ: વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે જાપાનની સંસ્થા સાથે MOU કરવામાં આવશે અને સંગીત વિશારદ શિક્ષકો દ્વારા બાળકોને તાલીમ આપવામાં આવશે.

  • શૈક્ષણિક સુવિધાઓ: ‘વાંચે ગુજરાત 2.0’ અભિયાન અંતર્ગત 50 શાળાઓમાં રૂ. 20 લાખના ખર્ચે અધતન ‘મિની લાયબ્રેરી’ તૈયાર કરવામાં આવશે.

  • ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું યોગદાન: શાળાઓના વિકાસ માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જેટલી રકમનું દાન આપશે, તેટલી જ રકમ સ્કૂલબોર્ડ દ્વારા તે શાળાને પ્રોત્સાહન તરીકે ફાળવવામાં આવશે.

  • શતાબ્દીની ઉજવણી: બોર્ડના 100 વર્ષ પૂર્ણ થતા ‘શતાબ્દી વર્ષ’ અંતર્ગત શ્રેષ્ઠ 100 અનુપમ શાળાઓ અને 100 પ્રતિભાશાળી શિક્ષકોનું સન્માન કરવામાં આવશે.

મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ ના શાસનાધિકારી લબ્ધીર દેસાઈએ ડ્રાફ્ટ બજેટ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે વર્ષ 2026- 27 માટે રૂ. 1200 કરોડમાં 87 ટકા એટલે કે 1044 કરોડ જેટલી રકમ પગાર અને પેન્શન પાછળ ખર્ચ કરવામાં આવશે.વિદ્યાર્થીઓના વિકાસ અને શૈક્ષણિક અને શિક્ષકોને લગતી પ્રવૃત્તિઓ પાછળ 10 ટકા એટલે 128 કરોડ અને શાળા અને માળખાકીય સુવિધાઓ પાછળ 2 ટકા એટલે 26 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

ગયા વર્ષે 1143 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. સ્કુલ બોર્ડની સ્થાપનાની શતાબ્દી વર્ષની ઉજવણી દરમિયાન શતાબ્દીની શ્રેષ્ઠ 100 અનુપમ શાળાઓ અને સદીના સિતારા 100 શિક્ષકોની પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ છે. જેઓને આગામી સમયમાં સન્માનિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે અમારું ધ્યાન 353 શાળાઓને સારી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. બાકીની શાળાઓ પણ શ્રેષ્ઠ શાળા બને તેવો અમારો પ્રયાસ છે.

આ બજેટમાં કોમનવેલ્થ અને ઓલમ્પિક્સની ગેમ અમદાવાદમાં યોજાવવા જઈ રહી છે. ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 56 જેટલી રમતમાં વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. વિદ્યાર્થીઓને રમતગમત માટે કોચિંગ આપવા માટે 10 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ આપવા માટે 10 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

જુદી જુદી 453 જેટલી લાયબ્રેરી છે. 50 લાયબ્રેરી શાળાઓમાં 20 લાખમાં ખર્ચે અધતન બનાવવામાં આવશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખેલ મહાકુંભ અને મ્યુઝિક માટે જાપાનની સંસ્થા સાથે MOU પણ કરવામાં આવશે.

મ્યુનિ. સ્કૂલ બોર્ડ દ્વારા આયોજીત રમતોત્સવ તથા વિવિધ રમત- ગમત એસોસિએશન સાથે મળા બાળકો માટેની રમત- ગમતની હરિફાઈનું આયોજન કરવામાં આવશે. હરિફાઈના અંતે શ્રેષ્ઠ વિદ્યાર્થીઓની પસંદગી કરી તેમને રમત- ગમત માટેની જરૂરી સાધન- સામગ્રી આપવામાં આવશે

તથા તેમના સવિશેષ પ્રશિક્ષણ માટેનું આયોજન કરવામાં આવરો રમત- ગમત માટેના મેદાનો ડેવલોપ કરી વિદ્યાર્થીઓ રમત ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરે તે મુજબનું આયોજન કરવામાં આવશે. વીર સાવરકર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ નારણપુરા, મેમ્કો સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ તથા વસ્ત્રાલ સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે વિદ્યાર્થીઓને વિવિધ રમતોની તાલીમ આપી પ્રશિક્ષિત કરવામાં આવશે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ- 2020 ને અનુકૂળ મ્યુનિ. શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાહિત્ય, વિજ્ઞાન, કલાના પુસ્તકોનું વાચન કરે તો વાંચે ગુજરાત 2.0 ને વેગ મળશે અને મ્યુનિ. શાળાના ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓમાં વાચન પ્રત્યેની અભિરૂચી કેળવાશે તેઓ સંદર્ભ પુસ્તકોમાંથી જ્ઞાન અર્જીત કરી શકશે.

બાળકો વાચન થકી ભવિષ્યમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લઈ સફળતા મેળવી શકશે અને આત્મનિર્ભર બની પોતાની ઓળખ ઉભી કરી શકે તે હેતુથી મ્યુનિ. શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે 50 મ્યુનિ. શાળાઓમાં મિની લાયબ્રેરી બનાવવામાં આવશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદના 100 વર્ષના ઈતિહાસમાં અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરી હાલ અલગ-અલગ ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.

આવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સહયોગથી મ્યુનિ. શાળાઓના વિકાસના હેતુથી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને તેમની માતૃશાળા સાથે જોડવા માટે તેમના બરા તેમની માતૃશાળામાં જેટલી રકમનું દાન કરશે તેટલી રકમ સ્કૂલ બોર્ડ દ્વારા શાળાને ફાળવવામાં આવશે. આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંકલનથી શાળામાં વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓ પાછળ તેમજ માળખાકીય સુવિધાઓ માટે આ રકમ ખર્ચ કરવામાં આવશે.

વિદ્યાર્થીઓનો સર્વાગીણ વિકાસ કરવા માટે સંગીત એ એક મહત્વનું ક્ષેત્ર છે. મ્યુનિ. શાળાઓના બાળકોને સંગીત શીખે અને આવનારા સમયમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરે તે માટે સ્કૂલ બોર્ડ દ્વારા સંગીત ક્ષેત્રે કામ કરતી અલગ – અલગ સંસ્થાઓના સહયોગથી શાળાઓમાં સંગીત વિશારદ શિક્ષકો દ્વારા બાળકોને સંગીત શીખવાડવામાં આવશે. બાળકોને સંગીત માટે જાપાન ની સંસ્થા સાથે MOU કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.