Western Times News

Gujarati News

અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં યુવતીની છેડતી

AI Image

યુવતીએ હિંમત દાખવી બૂમ પાડતા આરોપી ત્યાંથી ભાગી છૂટ્યો હતો, ઘટના અંગે પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલી મેટીસ હોસ્પિટલમાં માનવતા કિસ્સો સામે આવ્યો છે. અહીં આઈસીયુ વોર્ડમાં સારવાર લઈ રહેલી એક અર્ધબેભાન યુવતીની હોસ્પિટલના જ કર્મચારીએ છેડતી કરી હોવાની ઘટના બની છે.

પીડિતા પોતાના પતિ સાથેના વિવાદને કારણે માનસિક તણાવમાં હતી અને તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાથી તેને સારવાર માટે આ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. વહેલી પરોઢે જ્યારે યુવતી ગાઢ નિદ્રા અને દવાની અસરમાં હતી, ત્યારે હોસ્પિટલના કર્મચારીએ તેની લાચારીનો લાભ ઉઠાવી શારીરિક અડપલાં કર્યાં હતા. આ ઘટના સમયે યુવતીએ હિંમત દાખવી બૂમ પાડતા આરોપી ત્યાંથી ભાગી છૂટ્યો હતો.

યુવતીએ તુરંત જ પોતાના પિતાને આ અંગે જાણ કરી હતી. જ્યારે પીડિતાના પિતાએ હોસ્પિટલ સત્તાધીશો પાસે સીસીટીવી ફૂટેજ જોવાની માંગણી કરી, ત્યારે હોસ્પિટલ સ્ટાફ દ્વારા સહકાર આપવાને બદલે ફૂટેજ બતાવવાનો સાફ ઇનકાર કરી દેવામાં આવ્યો હતો.

જો કે, બાદમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે છેડતી કરનાર શખસનું નામ ઈન્દ્રજીત રાઠોડ છે, જે અસારવા વિસ્તારનો રહેવાસી છે અને હોસ્પિટલમાં જ ફરજ બજાવે છે. યુવતીની તબિયત વધુ લથડતા તેને વધુ સારવાર માટે યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

સ્વાસ્થ્યમાં સુધારો થયા બાદ, પીડિતાએ સાબરમતી પોલીસ સ્ટેશન પહોંચી આરોપી ઈન્દ્રજીત રાઠોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની અને હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.