Western Times News

Gujarati News

નેપાળની જેલમાંથી ભાગેલો આરોપી ઠક્કરબાપાનગરમાં ઓળખ છૂપાવી રહેતો હતો

નેપાળની જેલ તોડીને ભાગેલો ખતરનાક આરોપી અમદાવાદમાંથી ઝડપાયો-અન્ય દેશોમાં ગુના આચર્યા હોવાની શંકા

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેર પોલીસની એસઓજી શાખાને એક મોટી સફળતા હાથ લાગી છે. એસઓજી દ્વારા એક આંતરરાષ્ટ્રીય સ્તરના રીઢા ગુનેગારની ધરપકડ કરવામાં આવી છે, જે નેપાળની જેલ તોડીને ફરાર થયો હતો અને લાંબા સમયથી ભારતમાં છુપાઈને રહેતો હતો. આ આરોપી આંતરરાષ્ટ્રીય સ્તરે એક કરતાં વધુ દેશોમાં ગુનાખોરીમાં સંડોવાયેલો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદ એસઓજીને બાતમી મળી હતી કે નેપાળનો એક શખસ શહેરના ઠક્કરબાપાનગર વિસ્તારમાં પોતાની ઓળખ છુપાવીને રહી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તપાસ કરતા આ શખસ મળી આવ્યો હતો. તેની કડકાઈથી પૂછપરછ કરતાં સામે આવ્યું છે કે નેપાળમાં જ્યારે Zen-G આંદોલન ચાલી રહ્યું હતું,

તે સમયે જેલ તોડીને ભાગેલો આ આરોપી પણ સામેલ હતો. જેલમાંથી ફરાર થયા બાદ તે નાસતો-ફરતો ભારત આવી પહોંચ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ આરોપી અત્યંત રીઢો ગુનેગાર છે અને તેણે અન્ય દેશોમાં પણ ગુનાઓ આચર્યા છે.

જોકે, અત્યાર સુધીની પૂછપરછમાં તેણે ગુજરાત કે ભારતમાં કોઈ ગુના આચર્યા હોવાનું સામે આવ્યું નથી. પોલીસ હાલ એ દિશામાં સઘન તપાસ કરી રહી છે કે તે કયા હેતુથી ભારત આવ્યો હતો, તેણે સરહદ ઓળંગીને ભારત પ્રવેશવામાં કોઈની મદદ લીધી હતી કે કેમ, અને તેનો મુખ્ય ઈરાદો શું હતો. આંતરરાષ્ટ્રીય ગુનેગાર હોવાથી આ ધરપકડ બાદ પોલીસને વધુ કેટલાક મોટા ઘટસ્ફોટ થવાની આશા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.