પ્રયાગરાજમાં તંત્ર સાથે વિવાદ બાદ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે માઘ મેળો છોડ્યો
File
જો અમે માફી વિના સ્નાન કરીએ તો અન્યાય સામેની અમારી લડત અધૂરી રહેશેઃ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશના પવિત્ર યાત્રાધામ પ્રયાગરાજમાં ચાલી રહેલા માઘ મેળામાં શ્રદ્ધા અને ભક્તિના માહોલ વચ્ચે એક મોટો રાજકીય અને ધાર્મિક વિવાદ સર્જાયો છે. જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે વહીવટી તંત્રના વર્તનથી વ્યથિત થઈને પવિત્ર સંગમમાં સ્નાન કર્યાં વિના જ મેળામાંથી વિદાય લેવાની જાહેરાત કરી છે.
બુધવારે (૨૮મી જાન્યુઆરી) સવારે એક પત્રકાર પરિષદમાં તેમણે અત્યંત ભારે હૃદયે પોતાની પીડા વ્યક્ત કરી હતી. પત્રકાર પરિષદમાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે જણાવ્યું હતું કે, અમે સંગમની આ પવિત્ર ભૂમિ પર આધ્યાÂત્મક શાંતિ માટે આવ્યા હતા, પરંતુ જે પરિસ્થિતિઓ સર્જાઈ તેની કલ્પના પણ નહોતી કરી. પ્રયાગરાજમાં જે કંઈ બન્યું તેણે ન્યાય અને માનવતામાં અમારી શ્રદ્ધા પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્્યું છે.
આજે અમારો અવાજ ભારે છે અને હૃદય વેદનાથી ભરેલું છે, એટલે જ અમે સંગમમાં સ્નાન કર્યા વિના જ પાછા ફરી રહ્યા છીએ. શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે જણાવ્યું હતું કે, વહીવટી તંત્ર દ્વારા સમાધાનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં શંકરાચાર્ય જ્યારે ઈચ્છે ત્યારે તેમને સન્માનપૂર્વક સ્નાન કરાવવામાં આવશે અને તેમના પર ફૂલોનો વરસાદ કરવામાં આવશે. ઘટના માટે માફી માંગવાને બદલે ફૂલોનો વરસાદ ગોઠવવો એ અન્યાય સાથે સમાધાન કરવા જેવું છે.
જો અમે માફી વિના સ્નાન કરીએ તો અન્યાય સામેની અમારી લડત અધૂરી રહેશે. શંકરાચાર્યએ સીધા શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું હતું કે, સનાતનનો વિરોધ કરનારાઓને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી. અન્યાયનો અસ્વીકાર કરીને સત્યનો પડઘો પાછળ છોડીને જઈ રહ્યા છે. પ્રયાગરાજની હવામાં આ અનુત્તરિત પ્રશ્નો કાયમ રહેશે. નોંધનીય છે કે, શંકરાચાર્ય જેવી સર્વોચ્ચ ધાર્મિક વિભૂતિએ સ્નાન કર્યા વિના અને સંકલ્પ અધૂરો છોડીને જવું પડ્યું
તેનાથી દેશભરના સંતો અને શ્રદ્ધાળુઓમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. વહીવટી તંત્રની કાર્યશૈલી અને સંતો પ્રત્યેના વ્યવહારને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે.ઉલ્લેખનીય છે કે, રવિવારે (૧૮ જાન્યુઆરી, ૨૦૨૬) સવારે લગભગ ૯ઃ૪૭ વાગ્યે, શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ તેમના અનુયાયીઓ સાથે પાલખીમાં સવાર થઈને સંગમ કિનારે પહોંચ્યા હતા.
સંગમ તટ પર જ્યાંથી ઘાટ માત્ર ૫૦ મીટર દૂર હતો, ત્યાં પ્રશાસને તેમને પાલખીમાં બેસીને આગળ વધતા અટકાવ્યા હતા અને પગપાળા સ્નાન કરવા વિનંતી કરી હતી. જોકે તેમના અનુયાયીઓએ વિરોધ કર્યો હતો અને ધક્કા-મુક્કી કરતા સંગમ વોચ ટાવર સુધી પહોંચી ગયા હતા.
આ મામલો વધુ વણસ્યો જ્યારે પોલીસ બળે શંકરાચાર્યને રોકવાનો પ્રયાસ કર્યો અને તેમના કેટલાક અનુયાયીઓને ઘસડીને પોલીસ ચોકીમાં લઈ જવાયા હતા. સ્થિતિ એવી વણસી હતી કે, અવિમુક્તેશ્વરાનંદે મેળા અને સ્થાનિક તંત્ર વિરુદ્ધ દેખાવ કરવાની સાથે ધરણા કર્યા હતા. આ તમામ ઘટનાક્રમ વચ્ચે પ્રયાગરાજ મેળા તંત્રએ તેમને બે નોટિસ ફટકારી હતી.
