Western Times News

Gujarati News

અજિત પવારના નિધન પર ગુજરાત સરકારે કેબિનેટ બેઠકમાં દુઃખ વ્યક્ત કર્યું

સ્વર્ગસ્થ અજિત પવાર એટલે તળ ધરતી સાથે જોડાયેલું વ્યક્તિત્વઃ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી

(એજન્સી)ગાંધીનગર, મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજકારણી અજિત પવારનું આજે સવારે પ્લેન ક્રેશની દુર્ઘટનામાં દુઃખદ અવસાન થયું હોવાના સમાચારથી સમગ્ર દેશના રાજકીય વર્તુળોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. આ દુર્ઘટનાની વિગતો અંગે અધિકૃત તપાસ ચાલી રહી છે. ત્યારે આ તરફ અજિત પવારના અવસાનને લઈને દેશભરના રાજકીય નેતાઓએ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે, આ સમયે ગુજરાત સરકારે પણ આજની કેબિનેટ બેઠકમાં દુઃખ વ્યક્ત કર્યું છે.

આ બાબતે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ મીડિયા સમક્ષ માહિતી આપી હતી કે, સ્વર્ગસ્થ અજિત પવાર એટલે તળ ધરતી સાથે જોડાયેલું વ્યક્તિત્વ, તેઓએ મહારાષ્ટ્ર સરકારમાં ગામથી માંડી રાજ્ય સુધી અનેક જવાબદારી નિભાવી. તેઓએ એક સફળ નેતા, લોકનેતા તરીકે સ્વીકૃતિ મેળવી હતી, જેથી તેઓનું આ રીતે અકસ્માતે મોત એ અસહ્ય દુઃખદાયક ઘટના છે.

જીતુ વાઘાણીએ વધુમાં ઉમેર્યું કે, આ દુર્ઘટના સમયે પણ અજિત પવાર એક જનસેવાના કાર્યમાં જતા હતા, તેઓ એક સંમેલનમાં ભાગ લેવા જઈ રહ્યા હતા, તે સમયે અચાનક અકસ્માતે તેમનું મોત નીપજ્યું છે. જેમના અકાળે મોતથી સરકારે એક મોટું નેતૃત્વ ગુમાવ્યું છે અને લોકો સેવાના કામમાં ક્્યારેય ન પુરી શકાય તેવી મોટી ખોટ ઊભી થઈ છે. ત્યારે આમ સ્વર્ગસ્થ અજિત પવારના અકાળે મૃત્યુ પર ગુજરાત સરકારે આજના કેબિનેટની બેઠકમાં અત્યંત દુઃખ વ્યક્ત કર્યું છે.

આ મામલે કર્ણાટકના રાજ્યપાલ અને ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. મીડિયા સાથેની વાતચીતમાં વજુભાઈ વાળાએ અજિત પવાર સાથેની બોમ્બે વિકાસ પરિષદના સંદર્ભમાં થયેલી મુલાકાતોને વાગોળતા જણાવ્યું હતું કે, “બોમ્બે વિકાસ પરિષદને લઈને અમારું અનેક વખત મળવાનું થતું.

તે સમયે પણ અજિત પવાર પોતાના સ્પષ્ટ અને દૃઢ વિચારો સાથે વક્તવ્ય આપતા હતા.” દેશ અને મહારાષ્ટ્રના નવા વિકાસ માટે અજિત પવારે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો અને યોજનાઓમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

મહારાષ્ટ્રના પનોતા પુત્ર તરીકે તેમણે રાજ્ય માટે નોંધપાત્ર કાર્ય કર્યું. અજિત પવારના દુઃખદ નિધન બદલ મારા તેમજ મારા પક્ષ તરફથી અજિત પવારને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.