Western Times News

Gujarati News

ભરૂચ જિલ્લાના ૧૦ કેન્દ્રો પર પ્રખરતા શોધ પરીક્ષા યોજાઈ

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) ભરૂચ, વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રતિભા,તર્કશક્તિ અને સમજણની કસોટી કરવા રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે આયોજિત થતી પ્રખરતા શોધ કસોટીના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં ધોરણ ૯ માં અભ્યાસ કરતા ૨,૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાતા પરીક્ષા યોજાતા કુમકુમ તિલક કરી સાંકળ આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો.

તેજસ્વી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ઓળખી તેમને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહન અને યોગ્ય માર્ગદર્શન આપવાના મુખ્ય હેતુસર રાજ્ય સરકાર દ્વારા યોજાતી પ્રખરતા શોધ પરીક્ષાનું ભરૂચ જિલ્લાના ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડિયા તાલુકાના કુલ ૧૦ પરીક્ષા કેન્દ્રો પર કરવામાં આવ્યું હતુ.

જ્યાં વિદ્યાર્થીઓ માટે ૮૬ બ્લોકમાં વ્યવસ્થિત બેઠક વ્યવસ્થા સહિત પરીક્ષાનું સુચારુ અને પારદર્શક આયોજન થાય તે માટે વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા વ્યાપક તૈયારી કરવામાં આવી હતી.

આ પરીક્ષા વ્યવસ્થાપન માટે ભરૂચ જીલ્લાના અંકલેશ્વર તાલુકામાં ૩ કેન્દ્રો પર ૨૫ બ્લોકમાં ૭૪૪ વિદ્યાર્થીઓ,ભરૂચ તાલુકામાં ૪ કેન્દ્રો પર ૩૯ બ્લોકમાં ૧,૧૭૦ વિદ્યાર્થીઓ જ્યારે ઝઘડિયા તાલુકામાં ૩ કેન્દ્રો પર ૨૨ બ્લોકમાં ૬૫૩ વિદ્યાર્થીઓ મળી કુલ ૨,૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.ત્યારે ૧૦ કેન્દ્ર સંચાલક, ૧૦ સુપરવાઈઝર, ૮૬ ખંડ નિરીક્ષક તેમજ ૧૯ સેવક સહિત કુલ ૧૨૫ જેટલા કર્મચારીઓ ફરજ પર તૈનાત રહેશે.પરીક્ષાનો સમય પ્રશ્નપત્ર-૧ માટે સવારે ૧૧ થી ૧ વાગ્યા સુધી અને પ્રશ્નપત્ર-૨ માટે બપોરે ૨ થી ૪ વાગ્યા સુધી પરીક્ષા યોજાનાર છે.

પ્રખરતા શોધ કસોટીમાં મેરિટમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને સરકાર તરફથી ધોરણ ૯ થી ૧૨ દરમ્યાન દર વર્ષે રૂ.૧૨,૦૦૦ ની શિષ્યવૃત્તિ આપવામાં આવનાર છે.જેના કારણે વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક સહાય મળશે અને તેમની પ્રતિભાને વધુ પ્રોત્સાહન મળશે.

પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે આપી શકાય તે માટે વ્યવસ્થા અને કાયદો જળવાય રહે તે માટે પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરમાં ઝેરોક્ષ સેન્ટર બંધ રાખવા માટે કલેક્ટરે જાહેરનામું સહિત જરૂરી તમામ સુરક્ષા વ્યવસ્થા પરીક્ષા કેન્દ્રો ખાતે રાખવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.