Western Times News

Gujarati News

ઝઘડિયાના રાણીપુરા નજીક નર્મદા કાંઠા વિસ્તારમાં થતું ગેરકાયદેસર રેત ખનન બંધ કરાવવા ગ્રામજનોની માંગ

પ્રતિકાત્મક

રાણીપુરાના ગ્રામજનો દ્વારા રેતખનન બંધ કરાવવા જિલ્લા કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરવામાં આવતા ચકચાર

ભરૂચ, ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં નર્મદા કાંઠા વિસ્તારમાં લાંબા સમયથી આડેધડ થતા રેતખનનના મુદ્દે અવારનવાર વિવાદ સર્જાય છે.તાલુકા માંથી વહેતી નર્મદા નદીના વિશાળ પટમાંથી મોટાપાયે ગેરકાયદેસર રીતા રેતી ઉલેચાતી હોવાની વાતો જગજાહેર છે.

ત્યારે ઝઘડિયા નજીકના રાણીપુરા ગામના નર્મદાકાંઠા વિસ્તારના મોરા અને કાછી વગામાંથી ગેરકાયદેસર રીતે રેત ખનન થતું હોવાની વાતે ગ્રામજનોમાં વિરોધ જોવા મળી રહ્યો છે.ત્યારે આ બાબતને લઈને રાણીપુરાના ગ્રામજનો દ્વારા આ વિસ્તારમાં થતું ગેરકાયદેસર રેતી ખનન અટકાવવા ભરૂચ જિલ્લા કલેક્ટર સમક્ષ લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી.

ફરિયાદમાં જણાવાયું હતું કે કેટલાક ભૂમાફિયા દ્વારા ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામની સીમના મોરા અને કાછી વગાના નર્મદા કાંઠા વિસ્તાર માંથી નર્મદા નદીના ચાલુ પ્રવાહમાં એન્જિન મૂકી પાઈપ પાણીના પ્રવાહમાં નાંખીને પાણી સાથે રેતીનું ખનન કરવામાં આવે છે.

ગત વર્ષે પણ આ પ્રક્રિયા ચાલુ હતી અને ગ્રામજનોની ફરિયાદ બાદ ભરૂચ ભૂસ્તર વિભાગ દ્વારા છાપો મારીને તા. ૨૭.૨.૨૫ ના રોજ રેત ખનનમાં વપરાતી મશીનરી પાઈપો તેમજ નાવડી જપ્ત કરી હતી.ત્યાર બાદ ફરીથી હાલમાં પાછલા બે ત્રણ દિવસથી ભૂમાફિયાઓ સક્રિય થયા છે અને રેતી ઉલેચવા માટેનું મોટું મશીન નાવડી એન્જિન પાઇપો વિગેરે સામગ્રી સાથે રાણીપુરા ગામની સીમમાં રસ્તો બનાવવાની ગેરકાયદેસર કામગીરી ચાલુ કરી છે.

વધુમાં જણાવાયા મુજબ આવતીકાલથી તેઓ રેતી ખનન પ્રવૃત્તિ શરૂ કરી તેનું વહન કરનાર હોઈ તાત્કાલિક અસરથી ગેરકાયદેસર રીતે નર્મદા નદીના ચાલુ પ્રવાહમાંથી એન્જિન અને પાઈપ વડે પાણી સાથે રેતી ઉલેચવાની ખનન પ્રક્રિયા અટકાવવામાં આવે તેવી માંગ સાથે ગ્રામજનો દ્વારા આ અરજીની નકલ ભરૂચ ભુસ્તર વિભાગ,ભરૂચ જિલ્લા પોલીસ વડા અને ઝઘડિયા પોલીસ ઈન્સ્પેક્ટરને પણ મોકલીને આ ગેરકાયદેસર રેત ખનન અટકાવવા માંગ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.