ભારતની મજબૂત લોકતાંત્રિક પરંપરાઓનું વોશિંગ્ટન સ્ટેટ સેનેટના ઠરાવ દ્વારા સન્માન કરવામાં આવ્યું
વોશિંગ્ટન, વોશિંગ્ટન સ્ટેટ સેનેટે ભારતના 77મા પ્રજાસત્તાક દિવસના સન્માનમાં એક ઠરાવ પસાર કર્યો છે, જેમાં ભારતની લોકતાંત્રિક પરંપરાઓ અને ભારતીય-અમેરિકન સમુદાયના યોગદાનની પ્રશંસા કરવામાં આવી છે.
ઠરાવ નંબર 8674 ઓલિમ્પિયામાં બંને પક્ષોના સમર્થન સાથે પસાર કરવામાં આવ્યો હતો. તેમાં ભારતની મજબૂત લોકતાંત્રિક વિરાસતને માન્યતા આપવામાં આવી હતી અને ભારત તથા વોશિંગ્ટન સ્ટેટ વચ્ચે વધતા સંબંધોની નોંધ લેવામાં આવી હતી. આ ઠરાવમાં કૃષિ, વેપાર, ટેકનોલોજી અને ઉભરતી ટેકનોલોજીને સહિયારી પ્રાથમિકતા તરીકે દર્શાવવામાં આવી હતી.
✅ સેનેટર મનકા ધીંગરા દ્વારા રજૂ થયેલા ઠરાવને મળ્યું સર્વાનુમતે સમર્થન.
✅ બિલ ગેટ્સે સ્વાસ્થ્ય અને AI ક્ષેત્રે ભારતના વૈશ્વિક પ્રભાવને બિરદાવ્યો.
✅ વોશિંગ્ટનના ફેડરલ રિઝર્વ બિલ્ડિંગ પર લહેરાયો ભારતનો ત્રિરંગો.
✅ ‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’ હેઠળ ભારતના 28 રાજ્યોની સંસ્કૃતિની ઝલક પ્રદર્શિત કરાઈ.
આ પ્રસ્તાવ 45મા લેજિસ્લેટિવ ડિસ્ટ્રિક્ટના ભારતીય-અમેરિકન સ્ટેટ સેનેટર મનકા ધીંગરા દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો, જેને 48મા લેજિસ્લેટિવ ડિસ્ટ્રિક્ટના સ્ટેટ સેનેટર વંદના સ્લેટર દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો. હાજર રહેલા તમામ સેનેટરોએ તેની તરફેણમાં મતદાન કર્યું હતું.
આ ઠરાવના સ્વીકારની ઉજવણી કરવા માટે, ભારતીય કોન્સ્યુલેટ જનરલ (CGI) દ્વારા વોશિંગ્ટન સ્ટેટ કેપિટલ ખાતે રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક સ્ટેટ સેનેટરો, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સભ્યો અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. કેપિટલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા.
યુએસ નોર્થવેસ્ટના અલાસ્કા, નેબ્રાસ્કા, વોશિંગ્ટન, ઓરેગોન અને સાઉથ ડકોટા જેવા અનેક રાજ્યોએ પણ ભારતના પ્રજાસત્તાક દિવસના સન્માનમાં ઘોષણાપત્રો જાહેર કર્યા હતા.
ગવર્નરો અને પ્રાદેશિક નેતાઓએ આ પ્રસંગે સંદેશા પાઠવ્યા હતા. મોન્ટાનાના ગવર્નર ગ્રેગ જિઆનફોર્ટે મોન્ટાનાના સાંસ્કૃતિક, શૈક્ષણિક અને આર્થિક જીવનમાં “ભારતીય અને ભારતીય-અમેરિકન સમુદાયના યોગદાન”ને બિરદાવ્યું હતું. સાઉથ ડકોટાના ગવર્નર લેરી રોડને જણાવ્યું હતું કે, “ભારત પ્રજાસત્તાકના 77 વર્ષ પૂર્ણ થવા બદલ અભિનંદન. મને વિશ્વાસ છે કે યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત વધુ મજબૂત સંબંધો બનાવવાનું ચાલુ રાખશે.”
નેબ્રાસ્કાના ગવર્નર જિમ પિલેને ભારત અને નેબ્રાસ્કા વચ્ચેના “સહિયારા મૂલ્યો” વિશે વાત કરી હતી. ગેટ્સ ફાઉન્ડેશનના ચેરમેન બિલ ગેટ્સે ભારતની વૈશ્વિક અસર પર ભાર મૂકતા કહ્યું કે, “ભારતીય ઇનોવેશન માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર ગ્લોબલ સાઉથમાં લોકોની સેવા કરી રહ્યું છે. આ આરોગ્ય, કૃષિ, ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને AI જેવી નવી ટેકનોલોજીમાં સ્પષ્ટ દેખાય છે.”
વોશિંગ્ટનના 8મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટના પ્રતિનિધિ કિમ શ્રિયરે પણ શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે, “વોશિંગ્ટનના લોકો વતી, હું આપ સૌને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવું છું. આપણી મિત્રતા આવનારા વર્ષોમાં વધુ મજબૂત બને.”
કોન્સ્યુલેટે 26 જાન્યુઆરીએ સિએટલમાં બે કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. સવારે કોન્સ્યુલ જનરલે સિએટલની ફેડરલ રિઝર્વ બિલ્ડિંગ પર ભારતનો ત્રિરંગો લહેરાવ્યો હતો અને ભારતના રાષ્ટ્રપતિના સંબોધનના અંશો વાંચ્યા હતા. સિએટલના મેયર કેટ વિલ્સન અને મોન્ટાનાનું 30 સભ્યોનું પ્રતિનિધિમંડળ પણ અતિથિ વિશેષ તરીકે જોડાયું હતું.
સાંજે બેલ હાર્બર કોન્ફરન્સ સેન્ટર ખાતે આયોજિત રિસેપ્શનમાં વોશિંગ્ટન સ્ટેટના નેતાઓ અને ટેકનોલોજી એક્ઝિક્યુટિવ્સ હાજર રહ્યા હતા. આ દરમિયાન, વોશિંગ્ટન સ્ટેટમાંથી તાજેતરમાં ચૂંટાયેલા છ ભારતીય-અમેરિકન સિટી કાઉન્સિલ સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું.
મહેમાનોએ ‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’ (ODOP) પહેલ હેઠળ સાંસ્કૃતિક પ્રદર્શનો પણ નિહાળ્યા હતા, જેમાં ભારતના તમામ 28 રાજ્યોની વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. આ ઉપરાંત, ફેડરલ રિઝર્વ બિલ્ડિંગમાં ભારતીય કોન્સ્યુલર એપ્લિકેશન સેન્ટરની નવી ઓફિસોનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જે સેવાઓની કાર્યક્ષમતામાં વધારો કરશે.
