શ્રી ૫૧ શકિતપીઠ:અંબાજી યાત્રાધામનું અનોખું આકર્ષણ; એક જ જન્મમાં, એક જ સ્થળે, તમામ ૫૧ શકિતપીઠના દર્શનનો લહાવો
આવો જાણીએ, શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો મહિમા
આગામી ૩૦ જાન્યુઆરી થી ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ ત્રણ દિવસીય ૫૧ શકિતપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરાશે
આધ્યાત્મિક ઉન્નતિ સાથે સંસ્કૃતિનું જતન અને રક્ષણ થાય એ માટે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૦૮માં ૫૧ શકિતપીઠની આધારશિલા રાખી હતી
શકિત ભક્તિ અને આસ્થાના કેન્દ્ર સમા કરોડો માઈભક્તોનું શ્રદ્ધા શિખર એટલે યાત્રાધામ શકિતપીઠ અંબાજી. લાખો કરોડો માઇભકતોના આસ્થાના કેન્દ્ર એવા અંબાજી ખાતે દર વર્ષે ૫૧ શકિતપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરાય છે. માઇભકતો ૫૧ શકિતપીઠના દર્શન કરી પદયાત્રા અને પરિક્રમાના સંગમથી દિવ્યતા અને ધન્યતાનો અનુભવ મેળવે છે.
એક જ જન્મમાં, એક જ સ્થળે, તમામ ૫૧ શકિતપીઠના દર્શન કરવાનો અવસર શકિતપીઠ ગબ્બર- અંબાજી ખાતે પ્રાપ્ત થાય એ માટે ૨.૫ કિલોમીટરના માર્ગમાં મૂળ શકિતપીઠની કલાકૃતિઓનું આબેહૂબ નિર્માણ કરાયું છે. તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનથી ગબ્બર પર્વતની આસપાસ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા રૂ.૬૨ કરોડના ખર્ચથી ભવ્ય પરિક્રમા માર્ગ અને તે ઉપર દેશ-વિદેશમાં આવેલ તમામ ૫૧ શકિતપીઠોનાં મૂળ મંદિરો જેવાં જ મંદિરો બનાવવામાં આવ્યાં છે.
અંબાજી સર્વ શક્તિપીઠમાં જગતજનની આધશકિત અંબા માતાજીનું હ્દય બિરાજે છે. શ્રદ્ધાળુઓમાં અંબાજી શકિતપીઠનું અનોખું મહાત્મ્ય છે. અંબાજી ખાતે આવનાર શ્રદ્ધાળુઓને અન્ય શક્તિપીઠોના પણ દર્શન થઈ શકે એ માટે અંબાજી ખાતે ૫૧ શક્તિપીઠનું નિર્માણ કરાયું છે.
આધ્યાત્મિક ઉન્નતિ સાથે સંસ્કૃતિનું જતન અને રક્ષણ થાય એ માટે વર્ષ-૨૦૦૮ માં રાજયના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ગબ્બર પર્વતના પરિક્રમા માર્ગમાં ૫૧ શકિતપીઠ પ્રોજેકટનું ભૂમિપૂજન કરાયું હતું. વર્ષ ૨૦૧૪ માં તા. ૧૨,૧૩ અને ૧૪ ફેબ્રુઆરી દરમિયાન ૫૧ શકિતપીઠનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાપર્ણ કરવામાં આવ્યું હતું.
ચાલુ વર્ષે તારીખ ૩૦ અને ૩૧ જાન્યુઆરી અને ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ કુલ ત્રણ દિવસ સુધી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરાશે.
આમ તો કોઇપણ વ્યક્તિને તેના જીવનમાં તમામ ૫૧ શકિતપીઠોનાં મંદિરોનાં દર્શન કરવા મુશ્કેલ હોય છે પરંતુ હવે અંબાજી એક જ સ્થાને ૫૧ શકિતપીઠોના દર્શન કરવાનો લ્હાવો માઇભકતોને મળે છે. માઈભક્તો પરીવાર સાથે ભક્તિભાવપૂર્વક ગબ્બર પરિક્રમા માર્ગ ઉપર શક્તિપીઠના મંદિરોમાં મસ્તક નમાવી દર્શન કરી ધન્ય બને છે.
