દવાઓના સંશોધન માટે હવે ટેસ્ટ લાઇસન્સની જરૂર નહીં
નવી દિલ્હી, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દેશમાં ફાર્માસ્યુટિકલ સંશોધન અને વિકાસને વેગ આપવા તથા વેપારમાં સરળતા વધારવા માટે ‘ન્યૂ ડ્રગ્સ એન્ડ ક્લિનિકલ ટ્રાયલ્સ નિયમો, ૨૦૧૯’ માં મહત્વના સુધારા જાહેર કર્યા છે.
આ નવા સુધારા મુજબ, ફાર્મા કંપનીઓએ કેટલાંક ચોક્કસ કિસ્સા સિવાય હવે સંશોધન કે પરીક્ષણના હેતુ માટે નાની માત્રામાં દવા બનાવવા માટે અગાઉથી ટેસ્ટ લાઇસન્સ લેવાની જરૂર રહેશે નહીં.
કંપનીઓ હવે સીડીએસસીઓને માત્ર ઓનલાઈન જાણકારી આપીને દવાનું સંશોધન કાર્ય શરૂ કરી શકશે.આ સુધારો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિયમનકારી બોજ ઘટાડવા અને ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ ને પ્રોત્સાહન આપવાના નિર્દેશોને અનુરૂપ છે.
અગાઉના નિયમો મુજબ, સંશોધન માટે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન પાસેથી લાઇસન્સ લેવું ફરજિયાત હતું, જેને હવે ઓનલાઈન જાણકારી આપવાની પદ્ધતિમાં ફેરવી દેવાયું છે. આ ફેરફારથી ડ્રગ ડેવલપમેન્ટના સમયગાળામાં ઓછામાં ઓછા ૯૦ દિવસની બચત થશે, જે ફાર્મા સંશોધનને વેગ આપશે.
જોકે, સાયટોટોક્સિક ડ્રગ્સ, નાર્કાેટિક્સ અને સાયકોટ્રોપિક પદાર્થાે જેવી ઉચ્ચ જોખમ ધરાવતી દવાઓ માટે લાઇસન્સની પ્રક્રિયા ચાલુ રહેશે, પરંતુ તેના પ્રોસેસિંગનો સમય પણ ૯૦થી ઘટાડી ૪૫ દિવસ કરી દેવાયો છે. વધુમાં, ક્લિનિકલ રિસર્ચને ઝડપી બનાવવા માટે ઓછા જોખમ ધરાવતા બાયો-ઇક્વિવેલન્સ અભ્યાસો માટેની પૂર્વ મંજૂરીની જરૂરિયાત પણ નાબૂદ કરાઈ છે. સીડીએસસીઓ દ્વારા દર વર્ષે હજારો લાઇસન્સ અરજીઓ પર પ્રક્રિયા કરવામાં આવે છે, ત્યારે આ સુધારાથી ઉદ્યોગ જગત પરનો વહીવટી બોજ ઘટશે.SS1MS
