Western Times News

Gujarati News

બાળકોમાં ડિજિટલ વ્યસન અંગે કેન્દ્ર સરકાર ચિંતિત

(એજન્સી)નવી દિલ્હી, ભારત સરકારે ગુરુવારે સંસદમાં રજૂ કરેલા વાર્ષિક આર્થિક સર્વેક્ષણમાં દેશના યુવાનો અને બાળકોમાં વધતી જતી ડિજિટલ લત અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. સર્વેક્ષણમાં સૂચવવામાં આવ્યું છે કે, સોશિયલ મીડિયા અને ઓનલાઇન ગેમ્બલિંગ (સટ્ટાબાજી) એપ્સ સુધી પહોંચવા માટે વય-આધારિત મર્યાદાઓ નક્કી કરવા પર વિચાર કરવો જોઈએ.

આ અહેવાલ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કેન્દ્રીય બજેટ રજૂ કરવાના થોડા દિવસો પહેલા જ રજુ કરવામાં આવ્યો છે. નાણામંત્રીએ ગુરુવારે રાજ્યસભામાં આર્થિક સર્વેક્ષણ ૨૦૨૫-૨૬ની નકલ સદનના પટલ પર મૂકી હતી. આર્થિક સર્વેક્ષણ સરકાર દ્વારા રજૂ કરવામાં આવતો એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. જેમાં દેશના લગભગ દરેક આર્થિક મોરચાની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવે છે અને આગામી વર્ષના વિકાસ તેમજ પડકારો રજૂ કરવામાં આવે છે.

આ આર્થિક સર્વેક્ષણમાં ડિજિટલ પ્લેટફોર્મની નકારાત્મક અસરોને ઘટાડવા માટે કેટલાક કડક પગલાં ભરવાનું સૂચન કરવામાં આવ્યું છે

પ્લેટફોર્મની જવાબદારીઃ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સોશિયલ મીડિયા અને ગેમ્બલિંગ એપ્સને વય ચકાસણી લાગુ કરવા માટે જવાબદાર ઠેરવવી જોઈએ.
ફીચર્સ પર નિયંત્રણઃ બાળકો અને યુવાનો માટે ઓટો-પ્લે વીડિયો ફીચર્સ અને ટાર્ગેટેડ જાહેરાતો પર નિયંત્રણ લાવવાની વાત કરવામાં આવી છે, કારણ કે આ ફીચર્સ સ્ક્રીન ટાઈમ વધારવા અને લત લગાવવામાં મોટી ભૂમિકા ભજવે છે.

પારિવારિક ભૂમિકાઃ સર્વેક્ષણમાં માત્ર કાનૂની ઉપાયો પર જ નહીં, પરંતુ સામાજિક પરિવર્તન પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. પરિવારોને સ્ક્રીન-ટાઈમ લિમિટ, ડિવાઈસ-ફ્રી સમય અને ઓફલાઈન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાની સલાહ આપવામાં આવી છે.

વર્તમાનમાં ભારત ફેસબુક, યુટ્યુબ અને એક્સ જેવા પ્લેટફોર્મ્સ માટે વિશ્વના સૌથી મોટા બજારોમાંનું એક છે. જોકે, ભારતમાં અત્યાર સુધી સોશિયલ મીડિયાના ઉપયોગ માટે કોઈ સમાન રાષ્ટ્રીય લઘુત્તમ વય નિર્ધારિત નથી. સર્વેક્ષણ મુજબ, ડિજિટલ લત માત્ર માનસિક સ્વાસ્થ્યને જ નહીં, પરંતુ ઉત્પાદકતા અને સામાજિક વર્તનને પણ અસર કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.