જમ્મુ-કાશ્મીરના સોનમર્ગમાં હિમસ્ખલન થતા અનેક મકાનો, હોટેલોને ભારે નુકસાન
(એજન્સી)સોનમર્ગ, જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના સોનમર્ગના સરબલ વિસ્તારમાં ભયંકર હિમસ્ખલનની ઝપટમાં અનેક મકાનો અને વાહનો આવી ગયા છે. તેમજ કેટલીક હોટેલોને નુકસાન થયું છે. આ બરફના તોફાનમાં અત્યાર સુધી કોઈનું પણ મૃત્યુ કે ઈજા થઈ નથી.
જોકે, હિમસ્ખલનનો જે વીડિયો સામે આવ્યો છે તે જોતા એવું લાગે છે કે ભારે નુકસાન થયું હોઈ શકે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આખો વિસ્તાર હિમસ્ખલનમાં બરફના તોફાન નીચે દબાઈ ગયો છે.
સોનમર્ગમાં થયેલા હિમસ્ખલનના અનેક વીડિયો સામે આવી રહ્યા છે. તેમાંના એક વીડિયોમાં દેખાય છે કે રાતનો સન્નાટો વ્યાપેલો છે અને એક પણ વ્યક્તિ ઘરની બહાર નથી. એવામાં ઘરોની પાછળથી બરફના મોટા પહાડો ધસી રહ્યા છે અને બરફના તોફાને આખા વિસ્તારને પોતાની ઝપટમાં લઈ લીધો છે. રસ્તાઓ, મકાનો અને કારો – આ તમામ બરફના તોફાનમાં ઢંકાઈ ગયા છે. લોકોમાં ભય ફેલાઈ ગયો છે. બરફની નીચે અનેક લોકો દબાયા હોવાની શક્યતા છે.
