૭૯ ડ્રગ્સ કેપ્સ્યુલ ગળીને લાવનારી યુગાન્ડાની મહિલાને ૨૦ વર્ષ કેદની સજા
અમદાવાદ, સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા ફેબ્›આરી ૨૦૨૨માં ડ્રગ્સની હેરાફેરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ડીઆરઆઈએ ૭૯ ડ્રગ્સ કેપ્સ્યૂલ ગળીને લાવનારી યુગાન્ડાની મહિલાને ઝડપી લીધી હતી. આ કેસ સ્પે. એનડીપીએસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે મહિલા આરોપીને ૨૦ વર્ષ કેદની સજા અને દંડ ફટકાર્યાે છે.
આ સાથે જ કોર્ટે નોંધ્યું હતું કે, આરોપીએ માદક પદાર્થાેને પોતાના પેટમાં છૂપાવીને માત્ર કાયદાનું ઉલ્લંઘન જ નથી કર્યું, પરંતુ પોતાના જીવનને પણ જોખમમાં મૂક્યું હતું. ગંભીર પ્રકારનો કેસ છે, આખોય કેસ પુરવાર થાય છે, ડ્રગ્સના રવાડે ચઢી યુવાધન બરબાદ થઇ રહ્યું છે ત્યારે ન્યાયના હિતમાં આરોપીને સજા કરવી ન્યાયોચિત જણાય છે.
નોંધનીય છે કે, ડ્રગ્સ કેસમાં વિદેશી મહિલાને આટલી સજા થઇ હોવાનો આ સંભવિત પહેલો કેસ છે.યુગાન્ડાની નાગરિક મુકાકીબીબી હાના ૧૫ ફેબ્›આરી, ૨૦૨૨ના રોજ શારજાહથી એર અરેબિયાની ફ્લાઇટ નંબર જી૯૪૮૧ દ્વારા અમદાવાદ એરપોર્ટ પર ઉતરી હતી.
ડીઆરઆઈના અધિકારીઓને અગાઉથી મળેલી બાતમીને આધારે આ મહિલાને એરપોર્ટ પર અટકાવવામાં આવી હતી. શરૂઆતમાં તેના સામાનની તપાસ કરતા કંઈ વાંધાજનક મળ્યું ન હતું, પરંતુ મહિલાની શારીરિક તપાસ દરમિયાન તેનું પેટ અસામાન્ય રીતે કઠણ જણાતા અધિકારીઓને શંકા ગઈ હતી. ત્યારબાદ તપાસ કરતા પેટમાં ૭૯ ડ્રગ્સની કેપ્સૂલ હોવાનું સામે આવ્યું હતું.
આ મામલે ડીઆરઆઈના અધિકારીએ મુકાકીબીબી સામે એનડીપીએસ એક્ટની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી તપાસ કરી હતી. ત્યારબાદ મહિલા સામે ચાર્જશીટ(ફરિયાદ) દાખલ કરવામાં આવી હતી.
આ કેસ ચાલવા પર આવ્યો ત્યારે ખાસ સરકારી વકીલે પુરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરતા કોર્ટને જણાવ્યું હતું કે, આવા ઘણા કિસ્સા બહાર આવ્યા છે, મહિલા વિદેશમાંથી ડ્રગ્સ ઘૂસાડી રહી હતી.
