Western Times News

Gujarati News

ભાવનગરમાં હેડ કોન્સ્ટેબલ આત્મહત્યા કેસમાં પીએસઆઈ વિરુદ્ધ ગુનો દાખલ

ભાવનગર, ભાવનગરના ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલના આત્મહત્યા મામલે આખરે પીએસઆઈ બી કે ગોસ્વામી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. કરણી સેના દ્વારા આપવામાં આવેલું ૭૨ કલાકનું અલ્ટીમેટમ પૂર્ણ થાય તે પહેલા જ તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. મૃતક હેડ કોન્સ્ટેબલના પિતા પોતે નિવૃત્ત પોલીસકર્મી છે, તેમની ફરિયાદના આધારે પીએસઆઈ સામે બીએનએસની કલમ ૧૦૮ હેઠળ મરવા મજબૂર કરવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ ઘટનાની વિગતો મુજબ, ગત ૨૧ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલે ફરજ દરમિયાન ભૂતેશ્વર ગામ નજીક પોતાની કારમાં ઝેરી દવા પી લીધી હતી.

ગંભીર હાલતમાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ૨૨ જાન્યુઆરીના રોજ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ બાદ મૃતકના પરિવારજનોએ પીએસઆઈ બી કે ગોસ્વામી દ્વારા આપવામાં આવતા સતત માનસિક ત્રાસ અને હેરાનગતિને આત્મહત્યા માટે જવાબદાર ઠેરવી ન્યાયની માંગ કરી હતી. ઘટનાના આઠ દિવસ બાદ થયેલી આ કાર્યવાહીને પગલે પોલીસ બેડામાં ભારે ચર્ચાઓ જાગી છે.

આ અગાઉ રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજાએ પણ પરિવારની મુલાકાત લઈ આક્ષેપ કર્યાે હતો કે, પોલીસમાં ફરજ બજાવતા મજબૂત મનોબળના યુવાને જો આવું પગલું ભરવું પડ્યું હોય તો તેને અસહ્ય માનસિક ત્રાસ આપવામાં આવ્યો હશે. પરિવારના મતે સતત થઈ રહેલા શોષણ અને દબાણથી કંટાળીને જ દિગ્વિજયસિંહે પોતાની જિંદગી ટૂંકાવી હતી. અંતે પીએસઆઈ સામે બીએનએસની કલમ ૧૦૮ હેઠળ મરવા મજબૂર કરવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.