ગિફટ સિટી નજીક વલાદ ગામે રેલવેમાં દારૂ લાવવાનું કૌભાંડ, ૧ હજાર બોટલ સાથે ર ઝબ્બે
પ્રતિકાત્મક
વાયરના ૧ર ડ્રમમાંથી દારૂની બોટલો મળી, રૂ.પ.૭૮ લાખનો મુદ્દામાલ જપ્ત, એલસીબીએ ડભોડા પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો
ગાંધીનગર, ગિફટ સિટી નજીક વલાદ ગામે રેલવે પાર્સલમાં વિદેશી દારૂ લાવવાનું કૌભાંડ ગાંધીનગર એલસીબીજીએ ઝડપી પાડ્યું હતું અને રૂ.ર.૯૮ લાખની કિંમતના ૧૦૯૦ નંગ દારૂ-બિયરની બોટલના જથ્થા સાથે ર શખ્સોને ઝડપી પાડયા હતા. વાયરના ૧ર ડ્રમમાંથી દારૂની બોટલો મળી આવી હતી. તેની સાથે પ.૯૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ડભોડા પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો છે.
એલસીબી પીઆઈ એચ.પી. પરમારની ટીમે બાતમીના આધારે વલાદ ગામે નિર્મલ ઉર્ફે મોન્ટુ પટેલ (રહે- શક્તિનગર)ના ઘરે દરોડો પાડતા કમ્પાઉન્ડમાં લોડિંગ રિક્ષા અને બે એક્ટિવા પાસે કેટલાક શખ્સો સામાન ઉતારતા હતા.
જોકે પોલીસને જોઈ આરોપીઓમાં નાસભાગ મચી હતી. જેમાંથી જયેશ ઉર્ફે જીગો સોલંકી (રહે. અરવિંદ પટેલની ચાલી, નરોડા) અને અનિલ ફતેલાલ પાલીવાલ (દરજીની ચાલી, અમદુપુરા) નામના બે શખ્સોને પોલીસે પકડી લઈ સ્થળ પર તપાસ કરતા વાયરના ૧ર ડ્રમ મળી આવ્ય્ હતા. ડ્રમમાં લપેટેલા વાયરોને ખેંચતા દારૂની બોટલો નીચે પડવા માંડી હતી.
તમામ ૧ર ડ્રમ ચેક કરાતા કુલ ૧૦૯૦ નંગ દારૂ બિયરનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે પોલીસે અનિલ પાલીવાલની અંગઝડતી લેતા તેની પાસેથી ભારતીય રેલવેની એક ડિલિવરી રિસીપ્ટ મળી હતી જેમાં ઉદયપુરથી અસારવા જંકશન સુધી પાર્સલ મોકલવામાં આવ્યું હોવાની વિગત હતી.
તેની પુછપરછમાં બહાર આવ્યું કે, નરોડાનો હર્ષ શર્મા (મહાકાલી પેટ્રોલપંપ નજીક, નરોડા) રાજસ્થાનના રાહુલ નામના શખસ પાસેથી રેલવે પાર્સલ દ્વારા દારૂ મંગાવતો હતો અને ત્યાંથી લોડિંગ રિક્ષામાં દારૂનો જથ્થો વલાદ લાવીને તેનું કટીંગ કરવામાં આવતું હતું.
દરોડા વખતે ઘરનો માલિક નિર્મલ ઉર્ફે મોન્ટુ પટેલ અને દારૂ મંગાવનાર હર્ષ શર્મા નાસી ગયા હતા. પોલીસે બે શખ્સ સહિત કુલ પ થી ૬ લોકો સામે ડભોડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી દારૂ બિયરનો જથ્થો, લોડીંગ રિક્ષા, ત્રણ મોબાઈલ અને રોકડ સહિત કુલ રૂ.પ.૭૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
