ગાંધીનગરમાં વાહનોમાંથી ચોરેલી ૧૭ બેટરી સાથે ટોળકી ઝડપાઈ
AI Image
ગાંધીનગર, ગાંધીનગર શહેરના વાવોલ અને ગોકુળપુરા વિસ્તારમાં પાર્ક કરાયેલા વાહનોમાંથી બેટરી ચોરતી ટોળકીના કસબથી લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હોવાની ફરિયાદો ઉઠી હતી. આ અંગે ઉચ્ચ અધિકારીઓની સૂચનાના આધારે ગાંધીનગર એલસીબી-૮ની ટીમે ૧૭ બેટરી સાથે ટોળકીને ઝડપી પાડી હતી.
ઝડપાયેલા બાલારામ પ્રતાપજી ઠાકોર (સેકટર-૧૩-એ, ગાંધીનગર, મુળ-રહે. ગોરજ ગામ, તા.સાણંદ) અને વિજય શંકરભાઈ દેવીપૂજક (ગોકુળપુરા, વાવોલ, મુળ રહે-ધીણોજ, તા.મહેસાણા) પાસેથી રૂ.૮પ હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ ત્રણ આરોપીઓની તપાસ હાથ ધરી છે.
વાવોલ અને ગોકુળપુરા વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી રાત્રિના સમયે પાર્ક કરવામાં આવતી ટ્રકો અને ટ્રેકટરોમાંથી બેટરીઓની ચોરીનો સિલસિલો બંધ નહી થતાં ટ્રક માલિકે ૬૦ દિવસમાં ૧૭ વાહનોમાંથી રૂ.૮પ હજારની કિંમતની બેટરીઓ ચોરાઈ હોવાની સેકટર-૭ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. સેકટર-૧૪ ગોકુળપુરા ખાતે રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા વિષ્ણુભાઈ ભરવાડે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના
અને તેમના પરિવારની માલિકીની ૩૦ જેટલી ટ્રકો ગોકુળપુરા અને વાવોલ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ પાર્ક કરવામાં આવે છે. ગત ૧૧ નવેમ્બર ર૦રપથી શરૂ થયેલો ચોરીનો આ સિલસિલો ૧૪ જાન્યુઆરી ર૦ર૬ સુધી સતત ચાલ્યો હતો જેમાં કયારેય એકસાથે ત્રણ ટ્રકો તો કયારેક ટ્રેકટરોમાંથી બેટરીઓની ચોરી કરવામાં આવી હતી.
જિલ્લા પોલીસ વડાની સુચનાથી એલસીબી-રની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને બાતમીના આધારે બે શખ્સોના ઘરે દરોડો પાડી વાહનોની બેટરી ચોરતી ટોળકીનો પર્દાફાશ કર્યો હતો.
