છત્રાલના વેપારી પાસેથી બે એજન્ટ રૂ.૪.૯૬ લાખ પડાવી ગયા
પ્રતિકાત્મક
ગાંધીનગર, કલોલના છત્રાલ ખાતે ટ્રાન્સપોર્ટરનો વ્યવસાય કરતા વેપારીને બોગસ પોલિસી આપી મુંબઈના બે એજન્ટ રૂ.૪.૯૬ લાખ પડાવી ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે. વાહનને અકસ્માત થવાથી વીમા કંપનીમાં કલેમ કર્યો ત્યારે સામે આવ્યું હતું કે પોલિસી બોગસ છે જેથી વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
છત્રાલમાં દિવ્યા ટ્રાન્સપોર્ટ સર્વિસ ચલાવતા યશવંતરામ યાદવનો સંપર્ક વર્ષ ર૦૧૬માં મુંબઈના ભીવંડી ખાતે ઓફિસ ધરાવતા શ્રીકાંત શંકર ગાજેગી સાથે થયો હતો. શ્રીકાંતે પોતે આરટીઓ અને વીમાના કામકાજનો એકસપર્ટ હોવાનું જણાવી વિશ્વાસ જીત્યો હતો. શરૂઆતમાં બધું બરાબર ચાલ્યું હતું, પરંતુ છેલ્લા બે વર્ષમાં શ્રીકાંત અને તેના સાથીદાર શ્રીધરે છેતરપિંડીનો કારસો રચ્યો હતો.
આ બંને શખ્સોએ ટ્રાન્સપોર્ટરની પાંચ ગાડીના વીમા પ્રીમિયમ અને આરટીઓ ટેકસના નામે કુલ રૂ.૪,૯૬,૪૦૦ ગૂગલ-પે અને ફોન-પે મારફતે વેપારી પાસેથી મેળવી લીધા હતા. જૂન ર૦રપમાં મહારાષ્ટ્રમાં આઈશર ગાડીને અકસ્માત નડ્યો હતો. જેથી કલેઈમ કર્યો ત્યારે શ્રીરામ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીએ જણાવ્યું કે, આ નંબરની કોઈ પોલિસી કંપનીએ ઈશ્યૂ કરી જ નથી.
ટ્રાન્સપોર્ટરે જયારે એજન્ટ શ્રીકાંતનો સંપર્ક કરવાની કોશિશ કરી ત્યારે તેણે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. ટ્રાન્સપોર્ટરે પોતાની અન્ય પાંચ ગાડીની પોલિસી અને ઓલ ઈન્ડિયા પરમિટની તપાસ કરાવી તો તમામ કાગળો બોગસ અને નકલી હોવાનું જણાઈ આવ્યું હતું. આ અંગે કલોલ તાલુકા પોલીસમાં શ્રીકાંત શંકર ગાજેગી અને શ્રીધર (રહે. ભીંવડી, મુંબઈ) સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
