૨૦૨૦નું વર્ષ પર્યાવરણ માટે સર્વશ્રેષ્ઠ-નિર્ણાયક પુરવાર થશે : પ્રકાશ જાવડેકર
અમદાવાદ: ગાંધીનગરમાં ૧૭-૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૦ સુધી સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ (યુએનઇપી)નાં નેજા હેઠળ વિચરતી પ્રજાતિઓનાં સંરક્ષણ (સીએમએસ)ની પર્યાવરણલક્ષી સંધિ પર ૧૩મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ (સીઓપી)નું આયોજન કરીને જૈવવિવિધતાનાં શ્રેષ્ઠ વર્ષની ઉજવણી શરૂ થઇ ગઇ છે.
અહીં પત્રકાર પરિષદને સંબોધન કરતાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, વર્ષ ૨૦૨૦ પર્યાવરણ માટેનું સુપર યર (શ્રેષ્ઠ વર્ષ) છે તથા આ વર્ષ આગામી દાયકા માટેની કામગીરી નિર્ધારિત કરશે. દરિયાઈ પ્લાસ્ટિક કચરો, પ્લાસ્ટિકનું પ્રદૂષણ અને માઇક્રોપ્લાસ્ટિક સહિત આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય મુદ્દાઓ પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂરિયાત જણાવીને કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, આ સમસ્યાઓનું સમાધાન કોઈ પણ દેશ એકલા હાથે ન કરી શકે.
સીઓપીની સાથે સાથે જાવડેકરે નોર્વેનાં આબોહવા અને પર્યાવરણ મંત્રી સ્વેઇનુંગ રોતેવાનનાં નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળને મળ્યાં હતાં. ભારત અને નોર્વે આજે દરિયાઓ, પર્યાવરણ અને આબોહવા સાથે સંબંધિત સમસ્યાઓનું સમાધાન સંયુક્તપણે હાથ ધરવા સંમત થયા હતા. આ સંયુક્ત નિવેદન અંતર્ગત આબો હવા અને પર્યાવરણ ઉપર ઝડપી કામગીરી થશે, હાઇડ્રોફલોરો કાર્બનનો ઉપયોગ તબક્કાવાર ઘટાડાશે, મોન્ટ્રીયલ સમજુતી સાથે સંબંધિત કિંગાલી સશોધનની સાર્વત્રિક સમજુતીને અમલી બનાવાશે, બ્લુ ઇકોનોમી પર સંયુકત કાર્યદળની રચના થશે.