અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર સીધું નિશાન સાધ્યું UNના મહાસચિવે
એક દેશના હુકમથી દુનિયા ના ચાલે ઃ યુએનના પ્રમુખ
(એજન્સી)વોશિંગ્ટન, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ગુરુવારે અમેરિકા અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર સીધું નિશાન સાધ્યું છે. ગુટેરેસે સ્પષ્ટતા કરતા કહ્યું કે, કોઈ એક દેશના હુકમ ચલાવવાથી દુનિયા નથી ચાલતી અને તેના કારણે કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવી શકાય નહીં.
ગુટેરેસે આ દરમિયાન ચીનની પણ આડકતરી રીતે ઝાટકણી કાઢી હતી. યુએન ચીફે બહુધ્રુવીયતાની જરૂરિયાત પર ભાર આપતા તાજેતરમાં થયેલી ભારત-ઈયુ ડીલનો પણ ઉલ્લેખ કર્યો હતો. ગુટેરેસ તેમના કાર્યકાળના ૧૦મા અને અંતિમ વર્ષની શરૂઆતના પ્રસંગે પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ આ વર્ષના અંતમાં તેમના ઉત્તરાધિકારીની પસંદગી કરશે. પોતાના કાર્યકાળમાં અનેક યુદ્ધોની શરૂઆત જોનારા ગુટેરેસે બદલાતા વૈશ્વિક પરિદ્રશ્ય અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે કહ્યું કે, વૈશ્વિક સમસ્યાઓ કોઈ એક શક્તિના હુકમથી ઉકેલી શકાતી નથી. બે શક્તિઓ દ્વારા વિશ્વને બે ભાગમાં વહેંચવાથી કશું પ્રાપ્ત નહીં થાય. અહીં તેમનો ઈશારો અમેરિકા અને ચીન તરફ હતો.
