સાધ્વી પ્રેમ બાઈસાના મૃત્યુ અંગે પિતાનો ધડાકો: ઈન્જેક્શન આપનાર કમ્પાઉન્ડરની ધરપકડ
પોલીસે આશ્રમને સીલ માર્યું-આશ્રમમાં જ એક કમ્પાઉન્ડરને સારવાર માટે બોલાવાયો હતો.
(એજન્સી)જોધપુર, રાજસ્થાનની પ્રસિદ્ધ કથાવાચક સાધ્વી પ્રેમ બાઇસાના જોધપુરમાં થયેલા શંકાસ્પદ મોત મામલે હવે તેમના પિતા બ્રહ્મનાથે મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે પ્રેમ બાઈસા છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતી એટલા માટે આશ્રમમાં જ એક કમ્પાઉન્ડરને સારવાર માટે બોલાવાયો હતો.
કમ્પાઉન્ડરે પ્રેમ બાઈસાનું ચેકઅપ કર્યા બાદ ઈન્જેક્શન આપ્યું હતું. તેની ૫ જ મિનિટ બાદ પ્રેમ બાઈસાની તબીયત લથડી અને તે મૃત્યુ પામી. ઉલ્લેખનીય છે કે આ એ જ સાધ્વી છે જેમનો ૨૦૨૫ જુલાઈ મહિનામાં એક અન્ય વ્યક્તિ સાથેનો વિવાદિત વીડિયો વાઈરલ થયો હતો.
રાજસ્થાનના પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરતાં કડક તપાસ હાથ ધરી અને પોલીસ કમિશનર ઓમપ્રકાશના વડપણ હેઠળ સાધ્વીને ઈન્જેક્શન આપનારા કમ્પાઉન્ડરની ધરપકડ કરી લીધી હતી. હાલમાં તેની પૂછપરછ ચાલી રહી છે. તપાસમાં અમુક પુરાવાઓ હાથ લાગ્યાની માહિતી મળી રહી છે.
પોલીસે પૂછપરછ બાદ ઈન્જેક્શન સહિત તમામ મેડિકલ સામગ્રી પણ કબજે કરી હતી. આ ઉપરાંત આશ્રમને સીલ મારી દેવામાં આવ્યું છે જેથી પુરાવાઓ સાથે છેડછાડ ન કરી શકાય.
