Western Times News

Gujarati News

તિરુપતિ લાડુ વિવાદ: CBIએ ચાર્જશીટમાં નકલી ઘી કૌભાંડનો પર્દાફાશ

તિરુપતિ લાડુ વિવાદમાં ૩૬ સામે ગુનો નોંધવામાં આવ્યો

(એજન્સી)તિરુપતિ, તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ઉપયોગમાં લેવાતા ઘીમાં ભેળસેળના મામલે સીબીઆઈની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એ નેલ્લોરની એન્ટિ કરપ્શન બ્યુરો કોર્ટમાં અંતિમ ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં રૂ. ૨૫૦ કરોડના કૌભાંડમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. આ ફરિયાદ પ્રમાણે, તિરુપતિ મંદિરમાં ભક્તો માટે તૈયાર કરાતા લાડુના પ્રસાદમાં નકલી ઘી વાપરવામાં આવતું હતું. આ ગંભીર ગુના બદલ કુલ ૩૬ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

આ ચાર્જશીટમાં તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના ૯ અધિકારીઓ અને ૫ ડેરી નિષ્ણાતો સહિત કુલ ૩૬ લોકોને આરોપી બનાવાયા છે. આ લોકોની રહેમ નજર હેઠળ જ વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૪ દરમિયાન તિરુપતિ મંદિરમાં અંદાજે ૬૮ લાખ કિલો સિન્થેટિક ઘી સપ્લાય કરાયું હતું, જેની કિંમત આશરે રૂ. ૨૫૦ કરોડ થાય છે.

સીબીઆઈ તપાસમાં સામે આવ્યું છે કે અસલી ગાયના ઘી જેવું દેખાતું કેમિકલ સ્લજ મુખ્ય ભેળસેળ તરીકે વપરાતું હતું. આ ઉપરાંત રિજેક્ટ થયેલા ટેન્કરોમાં ડુક્કરની ચરબી અને બીફ ટેલો (ગાય-ભેંસની ચરબી) ના અંશ પણ મળી આવ્યા હતા. જો કે, રિજેક્ટ થયેલો તે તમામ માલ રિસાયકલ કરીને ફરી તિરુપતિ મંદિરમાં મોકલવામાં આવ્યો હતો.

સીબીઆઈ ચાર્જશીટ મુજબ, ઉત્તરાખંડની ભોલે બાબા ડેરી એ આ સમયગાળામાં કોઈ દૂધ કે માખણની ખરીદી જ કરી નહોતી. તેના બદલે પામ ઓઈલ, કર્નલ ઓઈલ અને રાસાયણિક પદાર્થોની મદદથી સિન્થેટિક મિશ્રણ તૈયાર કરાતું હતું. દિલ્હીના વેપારી અજય કુમાર સુગંધ દ્વારા પૂરા પાડવામાં આવેલા એસિટિક એસિડ એસ્ટર્સ અને આર્ટિફિશિયલ ફ્લેવર્સનો ઉપયોગ કરીને આ મિશ્રણને અસલી ઘી જેવો સ્વાદ અને સુગંધ અપાતી હતી.

તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના પૂર્વ જનરલ મેનેજર (પ્રોક્્યોરમેન્ટ) સુબ્રમણ્યમ સહિતના અધિકારીઓ પર લાંચ લેવાના અને ખોટા ક્વાલિટી રિપોર્ટ આપવાના ગંભીર આરોપો છે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ ના રિપોર્ટમાં ઘીની માત્રા ૧૯.૭૨ જોવા મળી હતી, જે નિયત ધોરણો (૯૮-૧૦૪) કરતા ઘણી ઓછી છે.

આ વાત જ સાબિત કરે છે કે, લાડુ અત્યંત હાનિકારક કેમિકલ ઘીથી તૈયાર કરાતા હતા. નોંધનીય છે કે, સપ્ટેમ્બર ૨૦૨૪ માં આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ જગન મોહન રેડ્ડી સરકારના સમયમાં પ્રસાદના લાડુમાં પ્રાણીઓની ચરબીનો ઉપયોગ થતો હોવાનો આક્ષેપ કર્યો હતો, જેનાથી દેશભરમાં ભારે વિવાદ સર્જાયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.