જમીન અદાવતમાં યુવકનું નગ્ન થઈ તાંડવઃ મહિલાઓ સામે પથ્થરમારો કર્યો
દાહોદના હીરાપુરની ઘટના, હુમલામાં એક યુવક ઘાયલ
દાહોદ, મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના હીરાપુર ગામે જમીનની જૂની અદાવતમાં કૌટુંબિક સંબંધોના લીરેલીરા ઉડયા છે. સામાજિક મર્યાદાની તમામ હદો વટાવતા એક યુવકે સગાં-સંબંધી મહિલાઓની હાજરીમાં જ પોતાની પોતડી ખોલી તેને માથે બાંધી સંપૂર્ણ નગ્ન અવસ્થામાં પથ્થરો સાથે હિંસક હુમલો કરતા સમગ્ર પંથકમાં ભારે રોષ ફેલાયો છે.
હીરાપુર ગામે રહેતા અક્ષયભાઈ ઈશ્વરભાઈ રાવળ અને તેમના કાકાના દીકરા વિષ્ણુભાઈ રમણભાઈ રાવળ વચ્ચે જમીન બાબતે જૂનો વિવાદ ચાલતો હતો. ર૮ જાન્યુઆરીના રોજ સવારે ૭ વાગ્યાના અરસામાં વિષ્ણુ રાવળે અક્ષયભાઈના ઘર પાસે આવી બિભત્સ ગાળાગાળી શરૂ કરી હતી.
જયારે તેને રોકવાનો પ્રયાસ કરાયો ત્યારે વિષ્ણુએ શરીર પરની પોતડી ઉતારી માથે બાંધી દીધી હતી અને નગ્ન અવસ્થામાં જ મહિલાઓ સામે પથ્થર લઈ હુમલો કરવા દોડ્યો હતો. આ હુમલામાં અક્ષયભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા લોહીલુહાણ હાલતમાં પ્રથમ સંતરામપુર અને ત્યારબાદ વધુ સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડયા છે.
