Western Times News

Gujarati News

મુંબઈ જતી આવતી ટ્રેનો રદ કરાતા પ્રવાસીઓ મુશ્કેલીમાં

લાંબા અંતરની ટ્રેનોને રસ્તામાં જ અટકાવી દેતા પ્રવાસીઓની વ્હારે આવવા સ્વૈચ્છિક સંસ્થાઓને અપીલ

(પ્રતિનિધિ) અમદાવાદ : મુંબઈમાં ગઈકાલથી પડી રહેલા અતિભારે વરસાદના પગલે મુંબઈનો અડધા ઉપરાંતનો વિસ્તાર જળબંબાકાર થઈ ગયો છે અને જનજીવન પણ ખોરવાઈ ગયું છે હજુ પણ વરસાદ પડવાનો ચાલુ હોવાથી શાળા કોલેજામાં રજા જાહેર કરી દેવાઈ છે બીજીબાજુ રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા અમદાવાદ-મુંબઈ વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે સંખ્યાબંધ ટ્રેનો રદ કરી દેવાઈ છે તો લાંબા અંતરની ટ્રેનોને રસ્તામાં જ અટકાવી દેવામાં આવી છે આ ટ્રેનોના પ્રવાસીઓને મદદ પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવી રહયા છે બીજીબાજુ વિમાની સેવાને પણ અસર પહોંચતા મુંબઈ જતી ફલાઈટો મોડી પડી રહી છે.

આ અંગેની વિગત એવી છે કે મુંબઈમાં પડી રહેલા ભારે વરસાદના પગલે વ્યાપક અસર નોંધાઈ છે અને જનજીવન ખોરવાઈ ગયું છે રસ્તાઓ ઉપર પાણી ફરી વળતા સંખ્યાબંધ લોકો ફસાયા છે જયારે અનેક ઘરોમાં અને દુકાનોમાં પાણી ઘુસી જતાં વ્યાપક નુકસાન થયું છે જેના પગલે નાગરિકો પણ મુંઝાયા છે મુંબઈના નાલા સોપારા વિસ્તારમાં રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા ટ્રેન વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો છે મુંબઈથી ઉપડતી અને મુંબઈ જતી ટ્રેનો રદ કરી દેવામાં આવી છે. સયાજી એકસપ્રેસ, ફલાઈંગ કવીન, બાંદ્રા એકસપ્રેસ સહિતની ટ્રેનો રદ કરી દેવામાં આવી છે.

જયારે મુંબઈ જતી લાંબા અંતરની ટ્રેનોને માર્ગમાં જ રેલવે સત્તાવાળાઓએ અટકાવી દીધી છે આ ટ્રેનોમાં સવાર પ્રવાસીઓને જરૂરી સેવાઓ પુરી પાડવા માટે જે તે વિસ્તારની સેવાભાવી સંસ્થાઓને અપીલ કરવામાં આવી છે બીજીબાજુ મુંબઈ જતી ટ્રેનો રદ કરી દેવામાં આવતા અમદાવાદ રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ રઝળી પડયા છે.

રેલવે સત્તાવાળાઓએ આગામી સુચના ન મળે ત્યાં સુધી ટ્રેનો બંધ રાખવાનો આદેશ આપ્યો છે જેના પરિણામે પ્રવાસીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. પ્રવાસીઓની સલામતી ખાતર આ નિર્ણય લેવામાં આવ્યો છે બીજીબાજુ મુંબઈ એરપોર્ટ પર ના રન-વે પર પણ પાણી ફરી વળતા કેટલીક ફલાઈટોને અટકાવી દેવામાં આવી છે જેના પરિણામે મુંબઈ જતી અને મુંબઈથી ઉપડતી ફલાઈટો મોડી ચાલી રહી છે.

મુંબઈમાં છેલ્લા દસ વર્ષનો વરસાદે રેકોર્ડ તોડી નાંખ્યો છે સમગ્ર મુંબઈમાં પડી રહેલા ભારે વરસાદના કારણે કેટલીક દુર્ઘટનાઓ પણ સર્જાઈ છે જેમાં ૧૦થી વધુ નાગરિકોના મોત નીપજયા છે રાજયના મુખ્યમંત્રી ફડણવીસે મૃતકોના પરિવારોને સહાયની જાહેરાત કરી છે તો બીજીબાજુ એનડીઆરએફની ટીમો પણ બચાવ કામગીરીમાં જાતરાઈ ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.