સુરતમાં પત્નીએ હળદરવાળા દૂધમાં ઝેર આપી પતિને મૃત્યુને ઘાટ ઉતાર્યો
AI Image
સુરત, શહેરના લિંબાયત વિસ્તારમાં પત્નીએ પતિની ઝેર આપીને હત્યા કરી નાંખતા ચકચાર જાગી છે. સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતો અને મુંબઈમાં નોકરી કરતો હૈદરઅલી મહિનામાં એકાદવાર જ્યારે પણ પોતાના ઘરે સુરત આવતો ત્યારે સેકસવર્ધક દવાઓનું સેવન કરીને પત્ની ઈશરત જહાં પર અત્યંત ક્રૂરતા આચરતો અને તેને ત્યાં સુધી મારતો અને પીડા આપતો જ્યાં સુધી તેને શરીરમાંથી લોહી ન નીકળે.
સતત શારીરિત અને માનસિક ત્રાસને કારણે પત્નીના મનમાં પતિ પ્રત્યે ભારે રોષ ભરાયો હતો જેથી આ વખતે જ્યારે પતિ મુંબઈથી ઘરે આવ્યો ત્યારે પત્નીએ હંમેશા માટે રસ્તામાંથી હટાવી દેવાનું મન બનાવી લીધું હતું. હત્યા કરવાના ઈરાદે પત્નીએ ગત ૧લી જાન્યુઆરીએ હૈદરઅલીને રાત્રે પીવા માટે હળદરવાળું દૂધ આપ્યું હતું પરંતુ આ દૂધમાં તેણે ચોરીછૂપીથી ઉંદર મારવાની ઝેરી દવા ભેળવી દીધી હતી.
આ ઝેરની અસર ધીમે ધીમે થવા લાગી હતી અને પમી જાન્યુઆરીએ હૈદરઅલીની તબિયત અચાનક લથડતા તેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મૃત્યુ નિપજ્યું હતું. શરૂઆતમાં આ એક સામાન્ય બીમારીથી મૃત્યુ થયું હોવાનું નાટક પત્નીએ રચ્યું હતું.
પરંતુ મૃતકના ભાઈને શંકા ગઈ કે ભાઈના મૃત્યુનામાં પત્નીનો જ હાથ છે જેના પગલે તેણે પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે શંકાના આધારે મૃતદેહનું પીએમ કરાવ્યું. પીએમ રિપોર્ટમાં તબીબોએ જણાવ્યું કે, મૃત્યુ માત્ર ઝેરથી નથી થયું પરંતુ મૃતકનું ગળું ઓ છાતી દબાવવામાં આવી હતી.
જેથી પોલીસે પત્ની ઈશરત જહાંની સઘન પૂછપરછ કરતા તેણે કબૂલ્યું કે, ઝેર આપ્યા બાદ જ્યારે તે નબળો પડયો ત્યારે તેણે તેનું ગળું અને છાતી દબાવીને તેણે સંપૂર્ણપણે મૃત્યુને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પતિ દ્વારા સેકસવર્ધક દવાઓ ખાઈને કરવામાં આવતી હેવાનિયત આ હત્યાનું મુખ્ય કારણ બની છે. હાલ પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી લીધી છે અને ઘટનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
