શાહીનબાગ: મંત્રણા માટે સુપ્રિમ દ્વારા ટીમની રચના
માર્ગને ખાલી કરવા માટે ફરી એકવાર કોઈ આદેશ જારી ન કરાયો:શાહીનબાગમાં છેલ્લા બે મહિનાથી રસ્તો બંધ |
નવી દિલ્હી, શાહીનબાગમાં આશરે બે મહિનાથી બંધ રહેલા માર્ગોને ખોલવામાં હજુ પણ સમય લાગી શકે છે કારણ કે સુપ્રિમ કોર્ટે પણ સાવચેતીપૂર્વક હળવું વલણ અપનાવ્યું છે. શાહીનબાગમાં નાગરિક સુધારા કાનૂન (સીએએ) અને રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટ્રાર (એનઆરઆરસી)ને લઈને ધરણા પ્રદર્શન ચાલી રહ્યા છે. જેના કારણે માર્ગ-૧૩-એ બંધ સ્થિતિમાં છે. આ મામલાની સુનાવણી દરમિયાન સુપ્રિમ કોર્ટે આજે કેન્દ્ર, દિલ્હી સરકાર અને દિલ્હી પોલીસને દેખાવકારો સાથે વાતચીત કરવા માટે કહ્યું હતું. આજે સુનાવણી હાથ ધરવામાં આવ્યા બાદ સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે નિયમ મુજબ દેખાવ માટે જંતર મંતરની જગ્યા રહેલી છે. શાહીનબાગમાં છેલ્લા બે મહિનાથી માર્ગ બંધ સ્થિતિમાં છે.
જનજીવન ઠપ કરવાના લીધે સમસ્યાઓ ઉભી થઈ છે. સુપ્રિમ કોર્ટે દેખાવકારો સાથે વાતચીત કરવા માટે એક કમિટીની રચના કરી છે. આ કમિટીમાં વરિષ્ઠ વકીલ સંજય હેગડે, સાધના રામચંદ્રન અને પૂર્વ મુખ્ય સૂચના કમિશનર વજાહત હબીબુલ્લાનો સમાવેશ થાય છે. આ ત્રણેયને મધ્યસ્થી કરવા માટે કહેવામાં આવ્યું છે. અરજી પર સુનાવણી કરતી વેળા સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે દેખાવ કરવાની જગ્યા જંતર મંતર છે. આ મુદ્દો જીવન જરૂરી કામગીરીને ખોરવી રહ્યો છે. ૨૪મી ફેબ્રુઆરીના દિવસે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
સુપ્રિમ કોર્ટે દિલ્હી પોલીસ કમિશનરને એફિડેવિટ દાખલ કરવા માટે સૂચના આપી છે. કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે લોકોને પોતાના અવાજને સમાજ સુધી પહોંચાડવાનો અધિકાર છે. અધિકારીઓની સુરક્ષાના વિરોધમાં કોઈ કામ કરવામાં આવી રહ્યું નથી. લોકશાહીમાં પોતાના અવાજને ચોક્કસપણે પહોંચાડવાની જરૂર છે. સમસ્યા દિલ્હીના ટ્રાફિકને લઈને છે પરંતુ દિલ્હીમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા રહેલી છે. જો દરેક વ્યક્તિ માર્ગો ઉપર ઉતરશે તો જનજીવન ઠપ થઈ જશે. વાહનો બંધ થઈ જશે અને ટ્રાફિકની સમસ્યા નડશે. લોકો વિરોધ પ્રદર્શન કરવાનો અધિકાર ધરાવે છે પરંતુ જગ્યા યોગ્ય રહેવી જાઈએ. શાહીનબાગ બે મહિનાથી બંધ છે. છેલ્લી સુનાવણીમાં સુપ્રિમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું હતું કે કોઈપણ જાહેર જગ્યા પર અચોક્કસ મુદત સુધી વિરોધ પ્રદર્શન અને ધરણા યોજી શકાય નહીં.
જોકે માર્ગને ખાલી કરવા માટેના કોઈ આદેશ જારી કરવામાં આવ્યા ન હતા. આ સુનાવણી એવી અરજી પર ચાલી રહી છે જેમાં અરજી કરનાર લોકોએ બે મહિનાથી બંધ રહેલા જાહેર રસ્તાને ખોલી દેવા માટેનો આદેશ કરવાની માંગ કરવામાં આવી છે. જસ્ટીસ એસ કે કોલ અને કે એમ જાસેફની બનેલી બેચ દ્વારા નાગરિક સુધારા કાનૂન સામે શાહીનબાગમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનના કારણે રસ્તાઓ બ્લોક થયા પછી આ મામલામાં આજે સુનાવણી હાથ ધરી હતી.