નમસ્તે ટ્રમ્પ : રોડ શોમાં આઇકાર્ડ વિના ‘નો એન્ટ્રી’
અમદાવાદ: આગામી તા.૨૪મી ફ્રેબ્રુઆરીએ અમેરિકી રાષ્ટપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવી રહ્યા છે ત્યારે તેમના રોડ શો અને નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઇ સુરક્ષા સહિતની તમામ તૈયારીઓ યુધ્ધના ધોરણે ચાલી રહી છે. ખાસ કરીને અમેરિકી રાષ્ટ્રપ્રમુખની સુરક્ષામાં કોઇ ચૂક કે ઉણપ ના વર્તાય તે હેતુસર અમદાવાદ અને રાજય પોલીસ તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા કડકાઇભરી સુરક્ષા વ્યવસ્થા અને આયોજનો કર્યા છે.
જેમાં ટ્રમ્પ અને મોદીના વિશાળ રોડ શોમાં જે નાગરિકોએ રોડ પર ઉભા રહી તેમનું સ્વાગત કરવુ હશે કે રોડ શોમાં ભાગ લેવો હશે તો, તેઓને પોલીસ પાસેથી અધિકૃત આઇકાર્ડ મેળવવાનું રહેશે અને તેના આધારે જ તેઓ રોડ શોનો હિસ્સો બની શકશે. પોલીસના અધિકૃત આઇકાર્ડ વિના કોઇપણ નાગરિકને રૂટના માર્ગો પર એન્ટ્રી મળશે નહી. એટલું જ નહી, રૂટના માર્ગો પર લોકો પાનની પિચકારી કે અન્ય ગંદકી કે અસ્વચ્છતા ફેલાવે નહી તે હેતુથી એરપોર્ટથી લઇ ગાંધીઆશ્રમ અને મોટેરા તથા તેની આસપાસના વિસ્તારોમાં દુકાનો, પાનના ગલ્લા સહિતના એકમોને સીલ મારવામાં આવશે. જે અંગેની કાર્યવાહી અમ્યુકો સત્તાવાળાઓએ આજથી શરૂ પણ કરી દીધી હતી, જેને લઇ સ્થાનિક દુકાનદારોમાં ભારે આક્રોશ ફેલાયો હતો.
નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ સાથે જ વિશ્વના સૌથી મોટા મોટેરાના ક્રિકેટ સ્ટેડિયમનું અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદીના હસ્તે લોકાર્પણ થવાનું છે ત્યારે મોટેરા સ્ટેડિયમમાં પ્રવેશવાના રસ્તા પરની દીવાલો પર સ્વચ્છ ભારત, મોટેરા તેમજ વિવિધ સ્લોગન લખીને વોલ પેઈન્ટીંગ કરવામાં આવી રહ્યું છે.
ટ્રમ્પ અને મોદીનો રોડ શો ઈન્દિરા બ્રિજથી પૂરો થઈ જશે અને તેઓ સીધા ભાટ-કોટેશ્વર રોડથી સોસાયટીઓમાં રોડ પર થઈ સ્ટેડિયમ જશે. મોદી અને ટ્રમ્પને સોસાયટીઓના અંદરના રોડ પરથી સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે. જે રોડ પર મેટ્રો રેલનું કામ ચાલે છે તે રોડ પરથી નહી લઈ જવાય.
કોટેશ્વર મંદિર ત્રણ રસ્તાથી ભગીરથ ટેનામેન્ટ રોડ થઈ શાંતિ એન્કલેવ સોસાયટી પાસેથી આસારામ આશ્રમ પાસેથી સ્ટેડિયમમાં કલબ હાઉસ પાસેથી ટ્રમ્પ અને મોદીનો કાફલો સ્ટેડિયમમાં પ્રવેશ કરશે. આ રોડ પર વોલ પેઇન્ટ કરવામાં આવ્યા છે. રોડ શોમાં ટ્રમ્પ-મોદીને આવકારવા ૩૫૦થી ૪૦૦ જેટલા નાના-મોટા હો‹ડગ્સ અને બેનરો લગાવાશે. આ હો‹ડગ્સની ડિઝાઈન અને ફોટા પીએમઓએ મંજૂર કર્યા છે.
આ હોડિગ્સમાં બે પ્રતિભાશાળી વ્યકિતત્વનું મિલન, બે વિરાટ લોકતાંત્રિક પરંપરા એક મંચ પર, એક ઐતિહાસિક પડાવ ભારત-અમેરિકા મૈત્રીનો, બે મહાન દેશોનું મિલન, મજબૂત નેતત્વ મજબૂત લોકતંત્ર, વિશ્વની સૌથી જૂની લોકશાહી મળશે વિશ્વની સૌથી મોટી લોકશાહીને, ભારત-અમેરિકા મળશે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ પર જેવા સ્લોગન જોવા મળશે.