Western Times News

Gujarati News

વડોદરામાં આકારણી કૌભાંડમાં BJPના વોર્ડ-૮ના પ્રમુખ-મહામંત્રીના રાજીનામા લેવાયા

વડોદરા, વડોદરા મહાનગરપાલિકામાં કરોડિયા વિસ્તારના બહુચર્ચિત આકારણી કૌભાંડે રાજકીય મોરચો મોટો ભડકો કર્યો છે. આ કૌભાંડમાં સંગઠનના હોદ્દેદારોની સંડોવણીના સંકેતો મળતા જ શહેર ભાજપ હરકતમાં આવ્યું છે. શિસ્તના આગ્રહી ગણાતા પક્ષે કોઈપણ જાતની શેહશરમ રાખ્યા વિના વોર્ડ નં.૮ના પ્રમુખ વિપુલ બારોટ અને મહામંત્રી વિજય ચાવડા પાસેથી રાજીનામા લખાવી લેતા રાજકીય વર્તુળોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

કરોડિયા વિસ્તારમાં અનેક મિલકતોની એન.એ. પ્રક્રિયા પૂર્ણ થયા વગર જ તેની ગેરકાયદેસર રીતે આકારણી કરી દેવામાં આવી હતી. આ ગંભીર ગેરરીતિ અંગે ધારાસભ્ય કેયુર રોકડીયાએ પુરાવા સાથે પાલિકા તંત્ર અને સંગઠનનું ધ્યાન દોર્યું હતું. પક્ષના જ હોદ્દેદારો દ્વારા આર્થિક હિત સાધવા માટે સત્તાનો દુરૂપયોગ કરવામાં આવ્યો હોવાની વિગતો પ્રદેશ નેતાગીરી સુધી પહોંચતા હાઈકમાન્ડે કડક વલણ અપનાવ્યું હતું.

ગઈકાલે મોડી સાંજે બન્ને હોદ્દેદારોએ પોતાના રાજીનામા શહેર પ્રમુખને સોંપી દીધા હતા. શહેરના રાજકીય ગલિયારાઓમાં ચર્ચાઈ રહ્યું છે કે આ આકારણી કૌભાંડના છાંટા પક્ષ પર ન ઉડે તે માટે તેમને રાજીનામું આપવા મજબૂર કરવામાં આવ્યા છે. ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી ભાજપે આ પગલું ભરીને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે કૌભાંડમાં સામેલ ગમે તેટલા મોટા માથાઓને છોડવામાં આવશે નહીં.

રાજીનામામાં અંગત કારણોનો ઉલ્લેખ છે, અમે કોઈની પાસે રાજીનામા માંગ્યા નથી ઃ સોની

વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉ.જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે, વોર્ડ નં.૮ના પ્રમુખ વિપુલ બારોટ અને મહામંત્રી વિજય ચાવડાએ સંગઠનના હોદ્દા પરથી સ્વેચ્છાએ રાજીનામા આપ્યા છે. તેમણે પત્રમાં સ્પષ્ટપણે અંગત કારણોસર રાજીનામું આપતા હોવાનું જણાવ્યું છે. પાર્ટીએ કોઈના રાજીનામા માંગ્યા નથી.

રહી વાત કરોડિયા આકારણી કૌભાંડની તો આ સમગ્ર પ્રકરણમાં હાલ તપાસ ચાલી રહી છે. જો ભવિષ્યમાં તપાસમાં કોઈ પણ હોદ્દેદારની સંડોવણી સાબિત થશે તો પાર્ટી ચોક્કસપણે કડક પગલાં લેશે પરંતુ હાલના તબક્કે આ રાજીનામાને તપાસ સાથે જોડવા યોગ્ય નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.