છેલ્લા બે વર્ષમાં શારદાબેન-એલ.જી.માં ૧૮પ૮ બાળકોના મૃત્યુ
એલ.જી.માં ર૦૧૮ અને ર૦૧૯માં ૮પ૬ તથા શારદાબેનમાં ૧૦૦ર બાળકોના મૃત્યુ થયા
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ: પ્રસુતા માતા અને નવજાત શિશુના સ્વાસ્થય માટે સરકાર દ્વારા કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે પરંતુ નકકર આયોજનના અભાવે તેનો લાભ માતા-બાળક ને મળતો નથી. જેના પરીણામે પ્રસુતા માતા અને બાળકોના મૃત્યુમાં વધારો થયો છે. તાજેતરમાં ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં ખૂબ જ મોટી સંખ્યામાં બાળકોના મરણ થયા છે તે અગાઉ રાજયના ભુજમાં પણ આ જ પરિસ્થિતિનું નિર્માણ થયુ હતું જયારે થોડા સમય પહેલા રાજકોટમાં પણ નાના બાળકોના મૃત્યુ થવાની ઘટના સામે આવી હતી. સ્માર્ટસીટી અમદાવાદમાં પણ પ્રસુતા માતા અને નાના બાળકોના મૃત્યુ આંકડા વધી રહયા છે.
જે બાબત તંત્ર માટે ચિંતા નો વિષય બને છે. મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત એલ.જી.અને શારદાબેન હોસ્પીટલમાં છેલ્લા બે વર્ષમાં ૮૦૦ કરતા વધુ બાળકો અને એક હજાર કરતા વધુ નવજાત શિશુ મરણ થયા છે. આમ બે વર્ષમાં ૧૮૦૦ કરતા વધુ બાળકો મરણ થયા છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દર વર્ષે સામાન્ય બજેટમાં રૂ.પ૦૦થી ૧૦૦૦ કરોડનો વધારો કરવામાં આવે છે. જેમાં મતદારોને આકર્ષવા માટે માત્ર જાહેરાતો જ કરવામાં આવે છે. જયારે પ્રજાની સુખાકારી માટે ઉલ્લેખનીય છે
રકમ ફાળવવામાં આવતી નથી. તેમજ કામ પણ થતા નથી. અમદાવાદ શહેરમાં બાળકો અને પ્રસૃતા માતાના મૃત્યુમા વધારો થઈ રહયો છે. મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત એલ.જી. હોસ્પિટલમાં ર૦૧૮ ના વર્ષ દરમ્યાન ર૦પ અને ર૦૧૯ માં ૧૪૪ બાળકોના મરણ થયા હતા.
આ બાળકોના પીડીયાટ્રીક વોર્ડમાં મરણ થયા હતા. જયારે ગાયનેક વિભાગમાં પ્રસૃતિ સમયે ર૦૧૮માં ૧૮૭ અને ર૦૧૯માં રર૦ બાળકોના મૃત્યુ થયા છે. આમ એલ.જી. હોસ્પીટલમાં છેલ્લા બે વર્ષમાં ૮પ૬ બાળકો ના મૃત્યુ થયા છે.
જેમાં ૪૦૭ નવજાત શિશુનો સમાવેશ થાય છે. મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત શારદાબેન હોસ્પીટલમાં બે વર્ષમાં પીડીયાટ્રીક વોર્ડમાં ૧રપ અને ગાયનેક વોર્ડમાં ૧રપ બાળકોના મૃત્યુ થયા છે. શારદાબેન હોસ્પીટલના પીડીયાટ્રીક વોર્ડમાં ૬૪ મેલ અને પ૭ ફીમેલ મળી કુલ ૧ર૧ બાળકોના મૃત્યુ થયા છે. જયારે પ્રસૃતિ સમયે ૬૧ મેલ અને ૬૪ ફીમેલ મળી ૧રપ નવજાત શિશુના મરણ થયા છે. શારદાબેન હોસ્પીટલના અન્ય વોર્ડમાં દાખલ ૬૯૯ દર્દીઓના અલગ-અલગ કારણોસર મૃત્યુ થયા છે. જયારે એલ.જી. હોસ્પીટલમાં બે વર્ષ દરમ્યાન ર૯૧૬ ઈન્ડોર દર્દીના મૃત્યુ થયા છે.
મ્યુનિ.કોર્પોરેશનના કોર્પોરેટર ઈકબાલ શેખે ઉપરોકત માહીતી આપતા વધુમાં જણાવ્યું હતું કે એલ.જી. અને શારદાબેનમાં બે વર્ષમાં જ લગભગ ૧૮૦૦ બાળકોના મૃત્યુ થયા છે. આ સંખ્યા ખૂબ જ ચોકાવનારી છે. હોસ્પીટલમાં અપુરતા સાધનો તથા નિષ્ણાત તબીબોના અભાવે પણ આ પરીસ્થિતીનું નિર્માણ થઈ રહયું છે.
મ્યુનિ.શાસકો દ્વારા આ હોસ્પીટલો તરફ પુરતા પ્રમાણમાં ધ્યાન આપવામાં આવતું નથી. વી.એસ.માં પથારીની સંખ્યામાં ઘટાડો કર્યા બાદ એલ.જી.માં દર્દીઓનો ઘસારો વધી રહયો છે. જેની સામે સુવિધા ઉપલબ્ધ થઈ નથી. સરકાર દ્વારા પ્રસુતા માતા માટે સુખડી વિતરણના કાર્યક્રમ થાય છે. પરંતુ આ કાર્યક્રમો ચુંટણી માટે થતા હોય તેમ લાગી રહયું છે. કુપોષણના કારણે પણ બાળકોના મરણ થઈ રહયા હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો.