પશ્ચિમ બંગાળમાં પ્રશાંત કિશોરને ઝેડ સિક્યોરિટી આપતાં તૃણમૂલ કોંગ્રેસમાં નારાજગી
કોલકાતા, ચૂંટણી વ્યૂહ ઘડવામાં ચાણક્ય ગણાતા પ્રશાંત કિશોરને પશ્ચિમ બંગાળ પોલીસે ઝેડ લેવલની સિક્યોરિટી આપતાં શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસના નેતાઓમાં નારાજી ફેલાઇ હોવાની માહિતી મળી હતી. જો કે તૃણમૂલ કોંગ્રેસના મોવડી મંડળ અને મમતા બેનરજી આ મુદ્દે મોં સીવીને બેઠાં છે. પરંતુ પક્ષમાં અંદર અંદર ગુસપુસ શરૂ થઇ ગઇ હતી કે પ્રશાંત કિશોર એવો તે કેવો ટોચનો નેતા છે અને એને અહીં પશ્ચિમ બંગાળમાં કોનો ડર છે કે એને ઝેડ લેવલની સુરક્ષા આપવી પડે.
હાલ પ્રશાંત કિશોર બિહારના શરદ યાદવ અને કનૈયા સાથે બિહારની આવી રહેલી ચૂંટણીની મિટિંગ્સ કરી રહ્યા છે. સોમવારે પ્રશાંત કિશોર પટણામાં હતા. સાથોસાથ એની નજર વેસ્ટ બેંગાલ પર પણ છે. ૨૦૨૧માં બંગાળ વિધાનસભાની ચૂંટણી થવાની છે. એ પહેલાં પ્રશાંત કિશોર મમતા બેનરજી સાથે હાથ મિલાવી લે અને તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઇ જાય એવી શક્યતા છે એમ રાજકીય પંડિતો માને છે.
પ્રશાંત કિશોર પવન જોઇને સઢ ફેરવવામાં ઉસ્તાદ છે. ક્યારે કોની સાથે હાથ મિલાવવો એ પ્રશાંત બરાબર જાણે છે. એની ગતિવિધિ પર ભાજપના ચાણક્ય મનાતા અમિત શાહની પણ બાજનજર છે કે પ્રશાંત ક્યારે ક્યાં જાય છે અને કોને મળે છે.