Western Times News

Gujarati News

SoU ખાતે પ્રાયોગિક ધોરણે ખૂલ્લો મૂકાયેલો કેવડીયા જંગલ સફારી પાર્ક

પ્રતિકાત્મક તસવીર

અનેરૂ આકર્ષણ જગાવનાર વિશ્વકક્ષાનો સફારી પાર્ક મુલાકાતી- પ્રવાસીઓ માટે નવલું નજરાણું બની રહેશે: પ્રવાસીઓમાં દેખાયો અનેરો ઉત્સાહ –પ્રથમ દિવસે કુલ ૬૬૯ પ્રવાસીઓએ લીધેલી મુલાકાત

રાજપીપલા, નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સંલગ્ન આશાસ્પદ પ્રોજેક્ટ સરદાર પટેલ ઝુલોજીકલ પાર્ક (કેવડીયા જંગલ સફારી પાર્ક ) સેન્ટ્રલ ઓથોરીટી, નવી દિલ્હીની મંજૂરી બાદ તા.૧૮ મી ફેબ્રુઆરી, ૨૦૨૦ ને મંગળવારના રોજથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવનાર પ્રવાસીઓ માટે પ્રાયોગિક ધોરણે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આજે પ્રથમ દિવસે કુલ ૬૬૯ પ્રવાસીઓએ આ સફારી પાર્કની મુલકાત લીધી હોવાની જાણકારી કેવડીયા ખાતેના સરદાર પટેલ ઝુલોજીકલ પાર્કના નિયામકશ્રી ડૉ. રામરતન નાલા તરફથી પ્રાપ્ત થઇ છે. ઓ પ્રથમ દિવસે પ્રવાસીઓની સફારી પાર્કની મુલાકાત દરમિયાન તેઓમાં અનેરો ઉત્સાહ જણાતો હતો.

કેવડીયા ખાતે ૩૭૫ એકરમાં ફેલાયેલા વિશ્વકક્ષાના આ જંગલ સફારી પાર્કમાં ૬૨ જાતના કુલ ૧ હજાર પ્રાણી-પક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સફારી પાર્કમાં ફરવા માટે ઇ-કાર્ટ અને ચાલતા ચાલતા જોવા માટેની સગવડ ઉભી કરવામાં આવી છે તથા ઇ-કાર્ટની સુવિધા hop-on-hop-off તરીકે રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવનાર પ્રવાસીઓમાં ઉત્સાહ સાથે અનોખા આકર્ષણ માટે વન વિસ્તારનો અનુભવ થાય અને કુદરતી વાતાવરણ તથા ખાસ વન વિસ્તારમાં ફરતા હોય તેવો અહેસાસ થઇ શકે તે રીતે સમગ્ર સફારી પાર્કનું નિર્માણ કરાયું છે. આ જંગલ  સફારી પાર્ક કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવનાર  મુલાકાતી – પ્રવાસીઓ માટે નવલું નજરાણું બની રહેશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, સરદાર પટેલ ઝુલોજીકલ પાર્ક વિસ્તાર સાત અલગ અલગ એલીવેશનમાં છે, જે એન્ટ્રન્સ પ્લાઝાથી વાઇલ્ડએસ એન્ક્લોઝર સુધી ફેલાયેલુ છે અને તેમાં કુલ ૧૬ એન્ક્લોઝરનો સમાવેશ કરાયો છે. આ એન્ક્લોઝરમાં જુદા જુદા પ્રાણીઓ રાખવામાં આવ્યા છે.

પ્રવાસીઓ – મુલાકાતીઓ soutickets.in પરથી ઓનલાઇન તેમજ ટિકીટ બારી પરથી પણ ટિકીટ બુક કરાવી શકશે. પ્રવાસીઓ માટે સફારી પાર્કની ટિકીટ મેળવવાનો સમય સવારના ૮-૦૦ કલાકથી સાંજના ૫-૦૦ કલાક સુધીનો રહેશે અને ઝુ બંધ કરવાનો સમય સાંજે ૬-૦૦ કલાકનો રહેશે, તેમ ઓથોરીટી દ્વારા જણાવાવામાં આવ્યું છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.