ટુંડાવ નાના બાર સમાજના પરિવારોએ બેસણું અને બારમા પાછળનું ભોજન બંધ કરવા નિર્ણય કર્યો
ઊંઝા: ઊંઝા તાલુકાના ટુંડાવ ગામના નાના બાર કડવા પાટીદાર સમાજ (નાળોદ)ના પરિવારો દ્વારા બેસણું અને બારમા પાછળ થતા ભોજનને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. વ્યક્તિના મૃત્યુ પ્રસંગે ભોજન પાછળના ખર્ચ અને નાણાંનો દુર્વ્યય અટકાવી સાચા અર્થમાં પુણ્ય કમાવવા સામાજિક પહેલ કરાઇ છે.
ટુંડાવ ખાતે નાના બાર કડવા પાટીદાર સમાજની સોમવારે મળેલી સાધારણ સભામાં કરાયેલ ઠરાવ મુજબ ગામના કોઇપણ વ્યક્તિના અવસાન પાછળ કરવામાં આવતા જમણવારમાં ભોજન નહીં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અંત્યેષ્ઠી ભોજન પાછળ પરંપરાના નામે ફરજીયાતપણે કરવામાં આવતા બિનજરૂરી ખર્ચને અટકાવવા આ આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ટુંડાવ ગામના મોટા બાવન સમાજ(નાળોદ)ના પરિવારોએ બેસણું અને બારમા પાછળ થતા ભોજન બંધ કરવા નિર્ણય કર્યો હતો. જેને નાના બાર સમાજના પરિવારોએ પણ અપનાવી સામાજીક પરિવર્તનના મહાયજ્ઞમાં પોતાનું યોગદાન આપ્યું છે. બદલાતા સમય સાથે કરવામાં આવતા આવા સામાજીક પરિવર્તનોની પહેલમાં સમય જતાં સૌ સમાજના લોકો જોડાશે તેમ જણાઈ રહ્યું છે.