કુલી નંબર વનની રીમેકમાં કામ કરવા દિશાનો ઇન્કાર
મુંબઇ, કુલી નંબર વનની રીમેક ફિલ્મમાં કામ કરવા માટે હવે સેક્સી સ્ટાર દિશા પટનીએ ઇન્કાર કરી દીધો છે. પ્રાપ્ત માહિતી મુજબ કમજાર રોલ હોવાના કારણે દિશાએ ઇન્કાર કરી દીધો છે. ફિલ્મમાં વરૂણ ધવન અને સારા અલી ખાન મુખ્ય રોલમાં નજરે પડનાર છે. વરૂણ ફરી એકવાર પિતાની ફિલ્મની રીમેકમાં કામ કરવા જઇ રહ્યો છે.
વર્ષ ૧૯૯૫માં રજૂ કરવામાં આવેલી ગોવિન્દા અને કરિશ્મા કપુરની સુપરહિટ ફિલ્મ કુલી નંબર વનની રીમેકની ચર્ચા છેલ્લા કેટલાક સમયથી જોવા મળી રહી છે. હવે એવા હેવાલ આવ્યા છે કે રીમેક ફિલ્મનુ શુટિંગ ટુંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે. વરૂણ અને સારા ટુંક સમયમાં શુટિંગ શરૂ કરી દેશે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ફિલ્મમાં કાદરખાન વાળા રોલ માટે પરેશ રાવલની પસંદગી કરવામાં આવી છે. આ ફિલ્મને મોડર્ન તરીકાથી રજૂ કરવામાં આવનાર છે.
ફિલ્મના મોટા ભાગના હિસ્સાને ગોવામાં શુટ કરવામાં આવનાર છે. પહેલા એવા હેવાલ હતા કે ફિલ્મમાં પરેશ રાવલને કાદરખાનની જગ્યાએ રોલ આપવામાં આવ્યો છે. હવે જાણવા મળ્યુ છે કે પરેશ રાવલની બીજી પુત્રી તરીકેની ભૂમિકા અદા કરવાનો દિશા પટનીએ ઇન્કાર કરી દીધો છે.
પ્રાપ્ત માહિતી મુજબ રોલ નાનકડો હોવાના કારણે ફિલ્મમાં કામ કરવા માટે દિશાએ ઇન્કાર કરી દીધો છે. દિશા પટની હાલમાં લોકપ્રિયતાની ચરમ સીમા પર પહોંચી રહી છે. તેની પાસે સારી ફિલ્મો આવી રહી છે. તે હાલમાં મલંગ નામની ફિલ્મમાં આદિત્ય રોય કપુર સાથે નજરે પડનાર છે. ફિલ્મ નિર્માતા અને વરૂણના પિતા ડેવિડ ધવન નવી પેઢીને ધ્યાનમાં લઇને આ ફિલ્મમાં ફેરફાર કરવા માટેની યોજના ધરાવે છે. વરૂણ ધવન પણ કેટલીક હિટ ફિલ્મની શોધમાં રહેલો છે. હાલમાં સ્પર્ધા વધારે છે.