ઠાસરા નગરપાલિકા હસ્તક આવેલ સ્મશાનના લીલા વૃક્ષો વગર ટેન્ડરે વેચી દીધાનો આક્ષેપ
ખેડા જિલ્લાના ઠાસરા નગરપાલિકા ખાતે આવેલ સ્મશાનમાં લીલા વૃક્ષો વગર ટેન્ડરે વેચી દેતા નગરપાલિકા કારોબારી ચેરમેન નરેન્દ્રસિંહ ખુશાલસિંહ વાઘેલાએ તા:- ૧૯-૦૨-૨૦૨૦ના રોજ કલેકટર શ્રી ખેડાને સંબોધતી અરજી ઠાસરા નગરપાલિકા ખાતે આપી હતી. જેમાં જણાવ્યા અનુસાર ઠાસરા નગર પાલિકા હસ્તક ઠાસરા ગામે આવેલ (કૈલાસધામ) સ્મશાનમાં આશરે ૧૦૦ નંગથી વધુ મોટી ઉંમરના ઘટાદાર વૃક્ષો આવેલા હતા. જે ખુબજ વજનદાર અને મોટા હતા.
પરંતુ થોડા દિવસો પહેલા કોઈપણ જાતની જાહેરાત, કે ઠરાવ પસાર કર્યા વગર અને કાયદેસરની હરાજી કર્યા વગર જ નગરપાલિકાના હોદ્દેદારો ચીફ ઓફિસર, નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, તથા અન્યોએ પોતાના અંગત લાભ માટે પોતાના મળતીયા કોન્ટ્રાક્ટ દ્વારા કપાવી લીધા છે. અને તેના નાણાંની કોઈપણ જાતની વસુલાત ઓનરેકોડ લીધા વિના વેચી દીધા હોવાનો ગંભીર આક્ષેપ નગરપાલિકાના કારોબારી ચેરમેન દ્વારા કરવામાં આવીયો છે. અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
ત્યારે બીજી તરફ નગરપાલિકાના કારોબારી ચેરમેન દ્વારા કરવામાં આવેલ આક્ષેપો બાબતે ડી.બી.શ્રીમાળી (ચીફ ઓફિસર)ને પૂછપરછ કરતા તેઓએ તમામ વાતને ખોટી જણાવી હતી. અને તમામ પ્રક્રિયા કાયદેસર રીતે હાથ ધરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. અને આ તમામ આક્ષેપો પાયા વિહોણા હોવાની માહિતી આપી હતી. કાપવામાં આવેલ વૃક્ષ ગુલમહોર અને આસોપાલવના વૃક્ષ હતા.
કાપવામાં આવેલ વૃક્ષો બાવળ કે લીમળા કે અન્ય કોઈ પ્રતિબંધિત જાત નહોતા અને કાયદેસરની કાર્યવાહી કરી વૃક્ષ કાપવાની મંજૂરી નગરપાલિકા દ્વારા આપવામાં આવી છે. અને નવા પરિપત્ર મુજબ નગરપાલિકા વિસ્તારના વૃક્ષો બાબતે કાપવાની સત્તા ચીફ ઓફિસરને આપવામાં આવી હોવાની માહિતી આપી હતી. ત્યારે જાગૃત નાગરિકો દ્વારા તંત્ર દ્વારા ન્યાયિક તપાસ કરવાની માંગ કરી છે.