ખેડૂતોને ઝીરો ટકાના દરે લોન મળે તેવી વ્યવસ્થા થશે
વ્યાજ સહાય માટે કુલ ૯૫૨ કરોડ રૂપિયાની જાગવાઈ કરવામાં આવી ઃ ૨૦૨૦ સુધી બધા ઘરોમાં નળ દ્વારા પાણી
ગાંધીનગર, નાણામંત્રી નીતિન પટેલે આજે સાતમી વખત ગુજરાતનું બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં ગુજરાતની સ્થાપના બાદ પ્રથમ વખત બજેટનું કદ બે લાખ કરોડથી વધુનું થઇ ગયું છે. બજેટમાં કૃષિ ક્ષેત્રને ખાસ ફાળવણી કરવામાં આવી છે. કૃષિ, ખેડૂત, કલ્યાણ અને સહકાર વિભાગ માટે ૭૧૧૧ કરોડની ફાળવણી કરવામાં આવી છે. ખેડૂતોને ઝીરો ટકાના દરે લોન મળે તે માટે વ્યાજ સહાય માટે ૯૫૨ કરોડની સહાય કરવામાં આવી છે. કૃષિને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. કૃષિની સાથે સાથે પશુપાલનને પણ મહત્વ આપવામાં આવ્યું છે.
રાજયમાં વિવિધ ખેડૂત યોજનાના અમલ માટે ૨,૭૭૧ નવી જગ્યાઓ ભરવામાં આવશે. જે અંતર્ગત આ વર્ષે ૧૧૨૧ જગ્યાઓ ભરાશે. ગુજરાતના ખેડૂતોને ઝીરો ટકાના દરે પાક ધિરાણ માટે ખેડૂત વ્યાજ સહાય આપવા રૂ.૯૫૨ કરોડની જોગવાઇ કરી છે. તો, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ૧૮ લાખ ખેડૂતોને આવરી લેવાશે. જેના માટે આ બજેટમાં રૂ.૧૦૭૩ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આમ, પાક ધિરાણ અને ખેડૂતોની યોજના અંતર્ગત બે હજાર કરોડથી વધુ રૂપિયાની જાગવાઇ કરાઇ છે.
આ સિવાય, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના માટે રૂ.૨૯૯ કરોડ, ફાર્મ મિકેનાઇઝેશન માટે રૂ.૨૩૫ કરોડ, ફૂડ પ્રોસેસિંગ માટે રૂ.૩૪ કરોડની ફાળવણી કરવામાં આવી છે. રાસાયણિક ખાતર માટે રૂ.૨૫ કરોડ, સેટેલાઇટ ઇમેજ ડ્રોન ફોટોગ્રાફી માટે રૂ.૨૫ કરોડ, બાગાયત વિકાસ માટે સેન્ટર ઓફ એકસેલન્સ માટે રૂ.૮ કરોડ, ૪૦૦૦ ડેરી ફાર્મ સ્થાપવા રૂ.૧૩૪ કરોડની જોગવાઇ, ૪૬૦ ફરતા પશુ દવાખાના માટે રૂ.૪૭ કરોડ, મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના માટે રૂ.૨૮ કરોડની જોગવાઈ કરાઇ છે.
જ્યારે ડેરી વિકાસ અને પશુ પાલકોને સાધન સહાય માટે રૂ.૩૬ કરોડ, ગૌ સેવા વિકાસ માટે રૂ.૩૮ કરોડ, સહકાર કિસાન કલ્પ વૃક્ષ યોજના માટે રૂ.૩૩ કરોડ, ગોડાઉન બાંધકામ માટે રૂ.૧૧ કરોડની ફાળવણી કરી છે.
આમ, સરકારે કૃષિ અને ખેડૂતોને પણ બજેટમાં ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે. વડાપ્રધાન પાક વિમા યોજના હેઠળ ૧૮ લાખ ખેડૂતોને આવરી લઇને અનેક પ્રકારની સુવિધા આપવામાં આવનાર છે. મત્સ્યોદ્યોગના વિકાસ માટે માંગરોળ, નવા બંદર, વેરાવળ, માંડવાડ, પોરબંદર, સુત્રપાડા, મત્સ્ય બંદર વિકાસ માટે ૨૧૦ કરોડ, ફિશિંગ બોટ ડિઝલ વપરાશ માટે ૧૫૦ કરોડ અને વેટ સહાય આપવા ૧૫૦ કરોડ તેમજ કેરોસિન સહાય માટે ૧૮ કરોડની જાગવાઈ કરવામાં આવી છે.
નાણાંમંત્રીએ જણાવ્યું હતું કે, જળ સંચય અભિયાન પાણી બચાવો અભિયાન માટે વોટર ગ્રીડ યોજના નલ સે જલ યોજના હેઠળ આગામી ૨૦૨૦ સુધીમાં રાજયના તમામ વિસ્તારમાં લોકોના ઘરમાં નળ દ્વારા શુધ્ધ પીવાનુ પાણી પહોંચાડાશે, જેના માટે રૂ. ૨૦ હજાર કરોડનો ખર્ચ કરવામાં આવશે. જેના માટે હાલ રૂ. ૪૫૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
આ સિવાય રાજયમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે રૂ. ૭૧૧૧ કરોડની ફાળવણી કરવામાં આવી છે. તો, દરિયાકાંઠા વિસ્તારોમાં ૮ ડીસેલીનેશન પ્લાન્ટ સ્થપાશે, ગંદા પાણીને ટ્રીટ કરીને પુનઃઉપયોગ કરવાના હેતુથી ૩૦૦ એમ.એલ.ડીના પ્રોજેકટની સ્થાપના કરવામાં આવશે. તેની સાથે સાથે માઇક્રો ઈરીગેશન વ્યાપ વધારાશે. જેમાં ૧૮ લાખ હેક્ટર વિસ્તાર આવરી લેવાશે. જેનો ૧૧.૩૪ લાખ ખેડૂતોને લાભ થશે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રએ રાજ્યના ૨૮ લાખ ખેડૂતોને સહાયના પ્રથમ બે હપ્તા પેટે રૂ.૧,૧૩૧ કરોડ ચૂકવ્યા છે. સાથે સાથે ભારત સરકારે બે હેક્ટરની મર્યાદા દૂર કરી છે, જેથી રાજ્યના બધા ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.
બજેટમાં શુદ્ધ પીવાના પાણીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. નાણામંત્રીએ બજેટ ભાષણમાં કહ્યું હતું કે, દૂરગામી વિસ્તારોમાં પણ રહેતા લોકોને કોઇ તકલીફ ન પડે તે માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેથી લોકોને તમામ પ્રકારની અડચણોમાંથી મુક્તિ મળશે.