ખેતર વચ્ચેથી પસાર થતા રસ્તા મામલે ભાઇએ ભાઇની હત્યા કરી
પાટણ, સમી તાલુકાના મુબારકપુરા ગામે પિતરાઈ ભાઈઓના જોડે જોડે આવેલ ખેતર વચ્ચેથી પસાર થતા રસ્તા મામલે ચાલતી તકરારનો આજે કરુણ અંજામ આવવા પામ્યો છે. ભાઈ એ ભાઈની તિક્ષણ હથીયાર વડે હત્યા કરી ફરાર થઈ જવા પામ્યા છે. ત્યારે ઘટનાને પગલે સમગ્ર ગામમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. બાદમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલાની હકીકત મેળવી ફરિયાદ નોંધી ફરાર આરોપીઓને શોધી કાઢવા માટે તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર સમી તાલુકાના મુબારકપુરા ગામે રહેતા ગોવિંદભાઈ ચૌધરી તેમજ તેમના પિતરાઈ ભાઈ હેમરાજ ભાઈ ચૌધરી, દેવજી ભાઈ ચૌધરી, મહાદેવભાઈ ચૌધરી, હરીભાઈ ચૌધરીના ખેતરો પાસે પાસે આવેલા હોવાના કારણે રસ્તે ચાલવા બાબતે છેલ્લા ઘણા સમયથી તકરાર ચાલતી હતી. ત્યારે અજર ગોવિંદભાઈ તેઓના ખેતરે જઈ રહ્યા હતા. તે સમયે તેમના ચારે પિતરાઈ ભાઈઓ ટ્રેકટર પર સવાર થઈ આવીને ગોવિંદભાઈ પર તિક્ષણ હથિયાર વડે હુમલો કરી મોત ને ઘાટ ઉતારી ફરાર થઈ જવા પામ્યા હતા.
ત્યારે ઘટનાને પગલે સમગ્ર ગામમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. ત્યારબાદ આ બાબતની સમી પોલીસને જાણ થતાં તે ઘટનાસ્થળે પહોંચી લાશનું પંચનામું કરી પીએમ માટે સમી રેફરલ હોસ્પિટલ લાશને ખસેડી હતી. અને મૃતક ગોવિંદ ભાઈના પુત્ર ભરત ભાઈ ચૌધરીની ફરિયાદ મુજબ ફારર ચાર આરોપીઓને શોધવાની તજવીજ હાથ ધરી છે.
સબંધને તાર તાર કરતી ઘટના મુબારકપુરા ગામે બનવા પામી છે. કુટુંબી પિતરાઈ ભાઈઓ વચ્ચે ખેતરમાં ચાલવાના રસ્તા બાબતે થયેલ જૂની તકરાર આજે હત્યામાં પરિણમી છે. ત્યારે હત્યા કરી ફરાર થયેલ ચાર ભાઈઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ થતા હાલ તો પોલીસે ફરાર ઈસમોને શોધી પાડવા અલગ અલગ ટીમો બનાવી તજવીજ હાથ ધરી છે. ગામમાં હત્યાની ઘટના બનતા મામલો વણસે નહીં તે માટે ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમજ ફરાર આરોપી ને શોધી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.