૧૩ આરોપીઓ સામે ગુન્હો નોંધાયો ૪ આરોપીઓને ઝડપી પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધા
અરવલ્લી જિલ્લામાં ગુનાખોરીનું પ્રમાણ કૂદકેને ભૂસકે વધી રહ્યું છે. જિલ્લામાં ગત માસમાં લાશો મળવાના સીલસીલા સાથે ચોરી અને લૂંટ સહિતના ગુનાઓ પ્રકાશમાં આવ્યા હતા. ત્યારે શુક્રવારના રોજ જિલ્લાના ધનસુરા તાલુકાના કનાલ ગામે એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે છોકરાઓની બાબતમાં ઝઘડો થયો હતો. જો કે ઝઘડા બાદ સમાધાન પણ બે જૂથો વચ્ચે થઈ ગયું હતું.
પરંતુ બીજા દિવસે શનિવારે ઝઘડાની અદાવત રાખી રીક્ષા લઈને આવી રહેલ ઈસમ ઉપર ૧૫ થી ૨૦ના ટોળાએ હુમલો કરી દીધો હતો. આ હુમલામાં રીક્ષાચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે પોલીસને જાણ થતાં અને ગામમાં તંગદીલીનો માહોલ સર્જાતાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.
કેટલીક વાર સામાન્ય બાબત ગંભીર સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે. માણસ પોતાના ગુસ્સા ઉપર કાબુ ન કરી શકે ત્યારે માઠા પરિણામો ભોગવવા પડતા હોય છે. આવો જ એક કિસ્સો ધનસુરા તાલુકાના કનાલ ગામે બન્યો હતો. શુક્રવારના રોજ એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે છોકરાઓની કોઈ બાબતને લઈને ઝઘડો થયો હતો અને આ ઝઘડાએ ઉગ્રસ્વરૂપ ધારણ કર્યું હતો. જો કે થોડા સમય બાદ બંને જૂથો વચ્ચે સમજાવટથી સમાધાન થયું હતું.
બે જૂથો વચ્ચે થયેલ સમાધાન બાદ શનિવારે કનાલના ભલાજી જોધ્ધાજી ખાંટ ઉ.વ.આ.૫૦ પોતાની રીક્ષા લઈને ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન ૧૫ થી ૨૦ માણસોનું ટોળું એકાએક રસ્તામાં આવી ગયું હતું. અને મારામારી કરી દીધી હતી. ૨૦ જેટલા માણસોના ટોળાએ મારઝુડ કરતાં સ્થળ ઉપર જ ભલાજીનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગેની જાણ કનાલ ગામના અને તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય સુબાજીને થતાં તેઓએ તાત્કાલીક અરવલ્લી જિલ્લા પોલીસવડાને જાણ કરી હતી.
જેના પગલે જિલ્લા પોલીસવડાએ ધનસુરા પોલીસ મથકે જાણ કરી તાત્કાલીક કનાલ ગામે રવાના કર્યા હતા. મારામારીમાં આધેડનું મોત થતાં નાનકડા ગામમાં તંગદીલીનો માહોલ સર્જાયો હતો. જે માહોલ પોલીસે પારખી ગામમાં પોલીસનો ખડકલો કરી દેવામાં આવ્યો હતો અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જો કે ફરિયાદી પક્ષે ૧૫ જેટલા લોકો સામે ફરિયાદ નોંધાવવાની માંગ કરતાં તે પૈકીના ત્રણની ધરપકડ કરવામાં આવી હતી અને બાકીનાની શોધખોળ ચાલુ હોવાનું પોલીસતંત્રમાંથી જાણવા મળ્યું. સમાચાર લખાય છે ત્યાં સુધી પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની કાર્યવાહી ચાલુ હોવાનું પોલીસસૂત્રોમાંથી જાણવા મળ્યું હતું.
મૃતકના ત્રણ સંતાનો પિતા વિહોણા બન્યા ધનસુરાના કનાલ ગામે થયેલી બબાલમાં ૧૫ થી ૨૦ના ટોળાએ રીક્ષા ચાલક ભલાજી ઉપર હુમલો કરી દેતાં તેઓનું મોત નિપજ્યું હતું. રીક્ષા ફેરવીને ઘરનું ગુજરાન ચલાવતા મોભીનું મોત થતાં પરિવારના માથે આભ તુટી પડ્યું હતું. રીક્ષા ચાલકના મોતને પગલે પત્નિ તેમજ ત્રણ સંતાનો નિરાધાર બન્યા હતા.
ધનસુરા પોલીસે ૪ આરોપીઓને દબોચી લીધા ધનસુરાના વડાગામ નજીક આવેલ કનાલ ગામે સામાન્ય બોલાચાલીમાં ગામના જ રીક્ષા ચાલકની ૧૩ શખ્શોએ હત્યા કરી દેતા ધનસુરા પોલીસે કોમ્બિંગ કરી ૧)પરબતજી બબાજી પરમાર, ૨)સુનિલજી બાબુજી પરમાર,૩)મહેશજી પરબતજી પરમાર ,૪) હરેશજી પરબતજી પરમારને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા