Western Times News

Gujarati News

ડેરીમાંથી શંકાસ્પદ ૪૦૦ કિલો માવો અને ૧૦૦ કિલો પનીર ઝડપાયું

પ્રતિકાત્મક

આણંદના મોગર નજીક એલસીબી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા સંયુક્ત રેડ કરીને નમૂનાઓને તપાસ માટે એફએસએલમાં મોકલાયા

આણંદ, આણંદ જિલ્લામાં મોગર ગામ પાસે આવેલી અંબિકા ડેરીમાં આણંદ એલસીબી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે સંયુક્ત રેડ કરીને સ્થળ પરથી અંદાજે ૪૦૦ કિલો જેટલો શંકાસ્પદ ‘ડેલીસિયસ સ્વીટ’ મીઠો માવો અને ૧૦૦ કીલો પનીરનો જથ્થો કબજે કરી તેના નમુના વધુ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જેના કારણે ભેળસેળીયા તત્ત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આણંદ નજીકના મોગ૨ ગામે સીમ વિસ્તારમાં આવેલી અંબિકા ડેરી નામની ફર્મમાં સંદીપકુમાર અશોકભાઈ શર્મા નામનો સેક્સ ડેલીસીયસ સ્વીટ નામનો મીઠાઈ બનાવવા માટે વપરાતો કાચો માલ તૈયાર કરીને સપ્લાય કરતો હોવાની ફેક્ટરી ચલાવે છે. જેમાં માવો તેમજ પનીર તૈયાર કરવામાં આવતું હોય છે.

આ માલ મહારાષ્ટ્રના મીઠાઈના વેપારીઓને મોકલવામાં આવતો હતો. આ બાબતની જાણ આણંદના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને થઈ હતી જેથી તેમણે પોલીસને સાથે રાખીને આણંદ એલસીબી ની મદદથી અંબિકા ડેરી ફાર્મ ખાતે છાપો માર્યાે હતો ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં ખરાબ થઈ ગયેલો જથ્થો જોવા મળ્યો હતો. જેમાં શંકાસ્પદ ૪૦૦ કિલો માવો તથા ૧૦૦ કિલો પનીર ઉપરાંત અખાદ્ય કાચો માલ પણ મળી આવ્યો હતો. આ તમામ જથ્થો તંત્ર દ્વારા સીઝ કરવામાં આવ્યો હતો અને તેમાંથી નમુના લઈને એફએસએલ ની લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે. અહીં ગાયના ઘી માંથી જ માવો તેમજ પનીર બનાવવામાં આવતું હોવાના રૂપાળા નામ આપીને લોકોને વિશ્વાસ થાય તે રીતે પેકિંગ કરીને વેચવામાં આવતું હોવાનું પણ જાણવા મળ્યું છે.

આ કાર્યવાહી દરમિયાન ફૂડ સેફ્ટી અધિકારીઓ સાથે એફએસએલની ટીમ પણ હાજર રહી હતી, જેઓએ નિયમ મુજબ નમૂનાઓ એકત્રિત કરી વધુ તપાસ માટે મોકલ્યા હતા.અધિકારીઓના જણાવ્યા મુજબ પ્રાથમિક તબક્કે માવાની ગુણવત્તા અંગે શંકા ઉભી થતાં તેના સેમ્પલ લેવામાં આવ્યા છે. લેબોરેટરીમાં તપાસ પૂર્ણ થયા બાદ મળનારા રિપોર્ટના આધારે સંબંધિત જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.આ કાર્યવાહી બાદ જિલ્લામાં ભેળસેળ કરતા તત્વોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. છેલ્લા કેટલાક સમયથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ડેલીસીયસ સ્વીટ માવો, પનીર સહિત વિવિધ ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા ચકાસવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

તંત્રની આ કાર્યવાહીથી ખાદ્ય પદાર્થાેની ગુણવત્તા અંગે ફરી એકવાર ચર્ચા અને ચકચાર જાગી છે.ગુજરાતભરમાં તૈયાર મળતી ખાદ્ય ચીજોમાં મોટાપાયે ભેળસેળ થતી હોવાને કારણે જાહેર જનતાના આરોગ્ય ઉપર ખતરો મંડાયો છે. દૂધ ઘી અને પનીર સહિતના ખાદ્ય પદાર્થાેમાં અવારનવાર આ પ્રકારે ભેળસેળ કરવામાં આવતી હોવાના અનેક કિસ્સાઓ અખબારોના પાને ચમકતા રહે છે તેમ છતાં તંત્રની રહેમનજર અને મિલીભગત તેમજ ભ્રષ્ટાચારના કારણે આ વેપલો ચાલતો જ રહે છે. નકલી બાવા ઉપરાંત નકલી પનીર તેમજ ભેળસેળયુક્ત ઘી વગેરે મોટાભાઈ ઉત્પાદન કરીને સપ્લાય કરવામાં આવતું હોય છે. જેનો ઉપયોગ ખોરાક અને ખાદ્ય સામગ્રી બનાવવા માટે થતો હોય છે અને હોટલ તેમજ ખાણીપીણીની લારીઓ અને ખુમચાઓ તથા મીઠાઈ બનાવનારા વેપારીઓને મોકલવામાં આવે છે. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.