મ્યુનિ.કમિશ્નરે ડેબરીઝ પ્રોસેસના પ્લાન્ટને સીલ કરાવ્યો
કમિશ્નરે તાળાબંધી કરેલ પ્લાન્ટમાં કોર્પોરેટરના પુત્રનું હિત હોવાની ચર્ચા
મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષનો ધોડો દશેેરાએ જ ન દોડ્યોઃબજેટ સત્રમાં સોલીડ વેસ્ટ કૌભાંડોને મૂક સમર્થન આપ્યુ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: સ્માર્ટ સીટી અમદાવાદમાં ‘સ્વચ્છતા’ના ઓથા હેઠળ મલીન ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. ડોર ટુ ડમ્પના કોન્ટ્રાક્ટરોને પ્રતિ મેટ્રીક ટન રૂ.૧પ૦૦ના ભાવ આપવામાં આવી રહ્યા છે. કચરો પ્રોસેસ કરવાના નામે કંપનીઓને લાખ્ખો ચોરસ મીટર જમીન આપવામાં આવી છે. તેમજ પીરાણા ડુંગરને સમથળ કરવાના નામે વધુ કૌભાંડો કરવા માટે તખ્તો તૈયાર થઈ રહ્યો છે. મ્યુનિસિપલ સોલીડ વેસ્ટ ખાતામાં ખુલ્લેઆમ ગેરરીતિઓ ચાલી રહી છે.
મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષ દ્વારા વર્ષ દરમ્યાન સોલીડ વેસ્ટ ખાતાના ભ્રષ્ટાચારને ઉજાગર પણ કરવામાં આવે છે. પરંતુ ‘દશેરાના દિવસે જ ધોડો ન દોડે’ એ કહેવતને કોંગ્રેસના નેતાઓએ સાર્થક કરી છે. મ્યુનિસિપલ બજેટ સત્રની ચર્ચામાં કોગ્રેસ પક્ષના નેતા અને કોર્પોરેટરોએ અગમ્ય કારણોસર ‘કચરા કૌભાંડ’ વિશેહરફસુધ્ધા ઉચ્ચારેણ કર્યા નહોતા. ચોંકવાનારી બાબત એ છે કે બજેટ સત્રના ત્રણ-ચાર દિવસ પહેલાં જ મ્યુનિસિપલી કમિશ્નરે ‘અમાદાવાદ એન્વાયરો લીમીટેડ’ નો પ્લાન્ટ સીલ કરવા હુકમ આપ્યો હતો. આ પ્લાન્ટમાં ભાજપના સીનિયર કોર્પોરેટર પુત્રની પરોક્ષ ભાગીદારી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. આમ, મ્યુનિસિપલ કમિશ્નરે સામે ચાલીને મુદ્દો આપ્યો હોવા છતાં કોંગ્રેસના નેતાઓએ ‘ગોઠવણ’પાડી હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે.
સ્વચ્છતા સર્વેક્ષણમાં થઈ રહેલી પીછેહઠના કારણે મ્યુનિસિપલ કમિશ્નરે પીરાણા સાઈટ અને પ્રોસેસ એકમોની રૂબરૂ મુલાકાત લઈ રહ્યા છે. જે અંતર્ગત લગભગ ૧પ દિવસ અગાઉ કમિશ્નરે અમદાવાદ એન્વાયરો લીમીટેડ (ડીએનપી) ના પ્લાન્ટની મુલાકાત લીધી હતી. સુત્રોએ જણાવ્યા અનુસાર પ્લાન્ટમાં ‘સ્વચ્છતા સેનીટેશન)ની ખામી ઉડીને આંખે વળગે એવી હતી. તેમજ પ્લાન્ટ લગભગ બંધ અવસ્થામાં જ હતો. પ્લાન્ટ પર દૈનિક એક હજાર મેટ્રીક ટન ડેબરીઝ પ્રોસેસ થતો નથી. તથા તેના ‘આઉટપુટ’ ના નિયત રજીસ્ટર્ડ પણ તૈયાર નહોતા. ડેબરીઝ પ્રોસેસ કરીને તૈયાર કરવામાં આવેલા મટીરીયલ્સ અંગે પણ પુરતી માહિતી નહોતી.
જેના કારણે કમિશ્નરે તાત્કાલિક પ્લાન્ટ સીલ કરાવ્યો હતો. સોલીડ વેસ્ટ વિભાગ સાથે સંકળાયેલા લોકો લૂલો બચાવ કરી રહ્યા છે. કંપનીના ડાયરેક્ટર ગેરહાજર હોવાથી તેમજ બગીચો બરાબર ન હોવાથી પ્લાન્ટ સીલ કરવામાં આવ્યો હોવાનું જણાવે છે. ડીએેનપી (અમદાવાદ એન્વાયરો) કંપની સાથે મ્યુનિસિપલ ભાજપના સીનિયર કોર્પોરેટરના પુત્રનું હિત સંકળાયેલ છે. ‘ઓન પેપર’ કોર્પોરેટર પુત્રનું નામ નથી. પરંતુ કંપની સાથે તેઓ પરોક્ષ રીતે સંકળાયેલા છે. એવી જ રીતે પીરાણા ડુંગરને સમથળ કરવા મુકવામાં અાવેલ ટ્રો-મીલ મશીનમાં પણ અનેક લોકોના હિત હોવાની ચર્ચા ચાલી રહી છે.
મ્યુનિસિપલ કમિશ્નરે પીરાણા ડુગરને બે વર્ષમાં સાફ કરવાના દાવા સાથે ૩૦૦ મેટ્રીક ટનની ક્ષમતાવાળા ટ્રો-મીલ મશીન મુકવા માટે ઠરાવ કરાવ્યો હતો. જેમાં ટ્રો-મીલની સંખ્યા તથા ખર્ચની અંદાજીત રકમનો કોઈ જ ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. ટ્રો-મીલ મશીન દીઠ માલિક રૂ. ૬.૪૦ લાખ ભાડું અને લાઈટબીટ સિવાય કોઈ જ વિગત દરખાસ્તમાં રજુ કરવામાં આવી નથી. તેમ છતાં શાસકોએ દરખાસ્તને લીલી ઝંડી આપી હતી. ત્યારબાદ કમિશ્નરે ૩૦૦ મેટ્રીક ટનના પ૦ મશીન મુકવા માટે જાહેરાત કરી હતી પરંતુ આઠ મહિનામાં માત્ર ૧પ મશીન જ મુકવામાં આવ્યા છે. ત્યારબાદ અચાનક જ એક હજાર મેટ્રીક ટનની ક્ષમતાવાળા મશીન મુકવા નિર્ણય કર્યો છે. જેના માટે મંજુરી વિના એક મશીન શરૂ પણ કરાવ્યુ હતુ. જેના પેટે માસિક રૂ.રર લાખ ભાડુ આપવા મનસુબો કર્યો હતો. પરંતુ ટેન્ડરમાં રૂ.૧૪ લાખની ઓફર આવતા જ મનસુબો પાર પડ્યો નથી.
જ્યારે ૩૦૦ મેટ્રીક ટનના ઓછા મશીનો મુકીને પીરાણા ડુંગરના કામમાં વિલંબ થયો છે. મ્યુનિસિપલ બજેટ સત્રમાં આ તમામ મુદ્દે ભાજપને ભીંસમાં લેવાની તક હતી પરંતુ કોંગ્રેસ પક્ષે કોઈ નક્કર કારણ વિના સોલીડ વેસ્ટ વિભાગ વિશે બોલવાની તક ગુમાવી છે. તેના માટે બજેટ સત્રમાં સમયસર જવાબ મળ્યો ન હોવાનો લુલો બચાવ કોંગ્રેસ પક્ષ દ્વારા થઈ રહ્યો છે. જ્યારે પીરાણા ડમ્પ સાઈટ, ડોર ટુ ડમ્પ, ટ્રો-મીલ તથા કચરા પ્રોસેસ વગેરેમાં ચાલતી ગેરરીતિની તમમ માહિતી કોંગ્રેસ પાસે હાથવગી છે.
કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા બદ્રૂદ્ીન શેખ અવારનવાર પીરાણા સાઈટ માટે જ્યારે વર્તમાન નેતા દિનેશ શર્માએ પણ ડોર ટુ ડોર, કચરા પ્રોસેસ એકમો અને ટ્રો-મીલ અંગે અનેક વખત મ્યુનિસિપલ બોર્ડમાં રજુઆત કરી છે. પરંતુ ખરા સમયે જ તેઓ તક ચુકી ગયા છે. તથા સોલીડ વેસ્ટમાં ચાલતા કૌભાંડો સામે આંખ આડા કાન કરી રહ્યા છે. મ્યુનિસિપલ કમિશ્નરે અમદાવાદ એન્વાયરો લીમીટેડ નો પ્લાન્ટ સીલ કરાવીને કચરા પ્રોસેસ કંપનીઓમાં ચાલતી ગેરરીતિને જાહેર કરી છે. સાથે સાથે રાજકીય લોકોને પણ ગેરરીતિ રોકવા માટે પરોક્ષ રીતે ચતવણી આપી છે એવી ચર્ચા પણ ચાલી રહી છે.