Western Times News

Gujarati News

જનમાર્ગઃ પેસેન્જર-આવક ઘટ્યા, અકસ્માત વધ્યા

Files Photo

પ૦ બસમાં ર.ર૧ કરોડ સામે ર૪પ બસમાં પાંચ કરોડ પેસેન્જર : જનમાર્ગને ચલાવવા માટે એએમટીએસનું ખાનગીકરણ થયુ છેઃ સુરેન્દ્ર બક્ષી

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેરની ટ્રાફિક સમસ્યા હળવી થાય તેમજ શહેર પરિવહન સેવા અપગ્રેડ કરવા માટે જનમાર્ગનું આયોજન કરવામાં આવ્યુ હતુ. તત્કાલીન યુપીએ સરકારની ગ્રાંટમાંથી કાર્યરત કરવામાં આવેલ જનમાર્ગ પ્રોજેક્ટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નાગરીકો માટે શીરદર્દ સમાન બની ગયો છે. જનમાર્ગના કારણે ટ્રાફિક સમસ્યા વકરી રહી છે. તેમજ જાહેર પરિવહન સેવા પણ ખાડે જઈ રહી છે.

જનમાર્ગને જીવંત રાખવા માટે અમદાવાદની આગવી ઓળખ સમાન ‘લાલ બસ’ને કોન્ટ્રાક્ટરોના હવાલે કરવામાં આવી છે. ર૦૦૯ થી શરૂ કરેલ બીઆરટીઅસમાં છેલ્લા એક દાયકામાં પેસેન્જર અને આવકમાં કોઈ જ નોંધપાત્ર વધારો થયો નથી.  જ્યારે અકસ્માતોની સંખ્યામાં ઉત્તરોતર વધારો થતો ગયો છે. જનમાર્ગમાં છેલ્લા પાંચ વર્ષમાં નાના-મોટા ૧૬૦૦ અકસ્માત થયા છે. જેમાં ર૪ ફેટલનો પણ સમાવેશ થાય છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો વહીવટી તંત્ર અને સેપ્ટની સંયુક્ત અણધડ કામગીરીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ‘જનમાર્ગ’ને માનવામાં આવી રહ્યુ છે. કેન્દ્ર સરકારે ગ્રાંટ આપી હોવાથી ‘ગમે તે રીતે ખર્ચ કરવો પડે’ એવી માનસિકતા સાથે બીઆરટીએસ પ્રોજેક્ટમાં આયોજન વિના રૂપિયાનો ધુમાડો કરવામાં આવ્યો છે. તેમજ રૂ.એક એક કરોડની કિંમતના બસ શેલ્ટર્સ બનાવવામાં આવ્યા છે.

જનમાર્ગના ડીપીઆરમાં કોઈ જ ઉલ્લેખ ન હોવા છતાં ગીચ ટ્રાફિકવાળા અને ઝીરો સર્વિસ્ રોડવાળા વિસ્તારોમાં પણ કોરીડોર નાંખવામાં આવ્યા છે. જેમાં માત્ર રોડ માટે પ્રતિ કિલોમીટર રૂ.સાત કરોડના બીલ ચુકવાયા છે. જ્યારે શેલ્ટર્સ દીઠ રૂ.એક એક કરોડ અને રેલીંગ સહિતના અન્ય ખર્ચ અલગથી ચુકવાયા છે. તેમ છતાં આ કોરીડોરનો ૧૦૦ ટકા ઉપયોગ થઈ શકતો નથી.

જેમાં દિલ્હી દરવાજાથી પ્રેમદરવાજા, ગીતા મંદિરથી શાહઆલમ, ઢોરબજાર થી ખોડીયારનગરના કોરીડોર મુખ્ય છે. એલિસબ્રિજથી સારંગપુર સુધીના કોરીડોરના પરિણામે ટ્રાફિક સમસ્યા વકરી છે. મ્યુનિસિપલ શાસકો આ બાબતથી ભલીભ્રાંતિ માહિતગાર છે. જેના કારણે જ ચાર મહિના અગાઉ આ તમામ કોરીડોર દૂર કરવા માટે જાહેરાત પણ કરી હતી.

પરંતુ મ્યુનિસિપલ કમિશ્નરે ‘વડાપ્રધાનના ‘ડ્રીમ પ્રોજેક્ટ’ હોવાના કારણો દર્શાવીને કોરીડોર દૂર કરવાના બદલે સ્ટાફને જ દૂર કર્યો હતો. વહીવટી તંત્રના વડા હોવાના કારણે જવાબદારીનો સ્વીકાર કરવાના બદલે અન્યના જવાબદાર સાબિત કરવાની આ પ્રણાલિનો ઉપયોગ કરવામાં કમિશ્નર માહેર હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.

શહેરમાં જનમાર્ગને જીવંત રાખવા માટે એએમેટીએસનો ભોગ લેવામાં આવી રહ્યો છે. તે બાબત સર્વવિદિત છે. તેમ છતાં તેનો કોઈ જ લાભ જનમાર્ગને મળ્યો નથી. મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા સુરેન્દ્રભાઈ બક્ષીએ ઉપરોકંત વિગતો આપતા વધુમાં જણાવ્યુ હતુ કે ર૦૧૦ના વર્ષ દરમ્યાન જનમાર્ગમાં ર.ર૦ કરોડ નાગરીકોએ પ્રવાસ કર્યો હતો. જેની સામે ર૦૧૯માં પ કરોડ નાગરીકોએ પ્રવાસ કર્યો છે.

આમ, દસ વર્ષમાં ૩.૮૦ કરોડ મુસાફર વધ્યા છે. પરંતુ ર૦૧૦માં બસોની સંખ્યા માત્ર પ૦ હતી. જ્યારે ર૦૧૯માં બસોની સ/ખ્યા ર૪પ અને કોરીડોરની લંબાઈ ૯૧ કિલોમીટર થઈ છે. તેમ છતાં મુસાફરો અને આવકની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો નથી. ર૦૧૯ના સમગ્ર વર્ષ દરમ્યાન પાંચ કરોડ નાગરીકોએ જનમાર્ગમાં પ્રવાસ કર્યો હતો.

જેની માસિક સરેરાશ ૪ર લાખ પેસેન્જર થાય છે.  ર૦૧૯ ના વર્ષમાં જનમાર્ગની કુલ આવક રૂ.૬પ.૬૮ કરોડ હતી. જેની સામે કોન્ટ્રાક્ટરોને ઘણી વધારે રકમ ચુકવવામાં આવે છે. ચાર્ટર્ડ સ્પીડની બસોનું આયુષ્ય પૂર્ણ થયુ હોવા છતાં પણ તેને પ્રતિકિલોમીટર રૂ.પ૬ લેખે ચુકવાય છે. પૂર્વ મ્યુનિસિપલ કમિશ્નરે ચાર્ટર્ડ સ્પીડના ભાવ ઘટાડવા તથા વધુ ચુકવાયેલ રકમની રીકવરી કરવા માટે જનમાર્ગ લીમીટેડની બેઠકમાં ઠરાવ કરાવ્યો હતો.

તેમ છતાં ચાર્ટર્ડ સ્પીડની બસો જુના ભાવથી જ ચાલી રહી છે. તથા તેની પાસેથી કોઈ જ રીકવરી કરવામાં આવી નથી. જનમાર્ગના કારણે ટ્રાફિક સમસ્યા વકરી રહી છે. અને આર્થિક નુકશાન પણ થઈ રહ્યુ છે.  છતાં પણ તેને ચલાવવામાં કમિશ્નરને વધુ રસ છે. મ્યુનિસિપલ કમિશ્નરે કેન્દ્ર સરકારની ગ્રાંટનો ઉપયોગ કર્યા વિના ૩૦૦ ઈલેક્ટ્રીક બસનો ઓર્ડર આપ્યો છે જે રદ કરવો જાઈએ તેમજ કિલોમીટર અને વર્ષ પૂરા થયેલ ચાર્ટર્ડ સ્પીડંની  બસો પણ બંધ કરવી જરૂરી છે. આ પ્રકારની બસોના કારણે જ અકસ્માત વધી રહ્યા છે.

ર૦૧પથી ર૦૧૯ સુધી જનમાર્ગમાં ૧પ૮૯ અકસ્માત થયા છે. ર૦૧પમાં ૩૩પ, ર૦૧૬માં ૩ર૮, ર૦૧૭માં ૩૪૭, ર૦૧૮માં ૩૬૦ તથા ર૦૧૯માં ર૧૯ અકસ્માત થયા છે. જેમાં ર૪ ફેટલનો સમાવેશ થાય છે. ર૦૧૯માં સામાન્ય અકસ્મામાં ઘટાડો થયો છે જ્યારે ફેટલમાં ચિંતાજનક હદે વધારો થયો છે. ર૦૧પની સરખામણીમાં ર૦૧૯માં ફેટલની સંખ્યા ત્રણ ગણી થઈ છે તેમ તેમણે વધુમાં જણાવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.