Western Times News

Gujarati News

ડોનાલ્ડ ટ્રમ્પે અમદાવાદમાં આપેલા ભાષણથી પાકિસ્તાનના મીડિયા ઉશ્કેરાઇ ગયું

નવીદિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ પર આખી દુનિયાની નજર ટકી છે. સોમવારે અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે ટ્રમ્પે આપેલા ભાષણને આખી દુનિયાએ સાંભળ્યું હતું. ભારત અને અમેરિકાની ઐતિહાસિક દોસ્તી વિશે આખી દુનિયાએ સાંભળ્યું હતું. જે ઉત્સાહથી ટ્રમ્પે ભારતના વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી અને અમેરિકાના ભારતનું વિશ્વાસપાત્ર દોસ્ત ગણાવ્યું, તેનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું માન વધ્યું છે.


જોકે, પાડોશી દેશ પાકિસ્તાન તેને અલગ રીતે જોઈ રહ્યું છે. મોટાભાગના પાકિસ્તાની મીડિયા ચોક્કસ વસ્તુઓનું જ કવરેજ કરી રહ્યા છે. મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પના ભાષણને પાકિસ્તાની મીડિયાએ પોતાની રીતે કવર કર્યું હતું. મોટાભાગના મીડિયાએ ટ્રમ્પના ભાષણનો એ હિસ્સો બતાવ્યો ન હતો જેમાં તેમણે કહ્યું હતું કે અમેરિકાના તંત્ર પાકિસ્તાન સાથે મળીને ખૂબ જ સકારાત્મક રીતે તેમની જમીન પર ઉછરી રહેલા આતંકવાદને ખતમ કરવાની દિશામાં કામ કરી રહ્યા છે.

આ હિસ્સો બતાવવાને બદલે પાકિસ્તાનનું મીડિયા ટ્રમ્પના ભાષણના એ હિસ્સા પર વધુ ભાર આપી રહ્યું છે જેમાં તેમણે કહ્યું હતું કે અમેરિકા અને પાકિસ્તાનના સારા સંબંધો છે, બંને મળીને આ વિસ્તારમાં તણાવ ઓછો કરવા તરફ કામ કરી રહ્યા છે.

મોટાભાગની વેબસાઇટ અને વર્તમાનપત્રોએ ટ્રમ્પે અમદાવાદમાં આપેલા ભાષણ અંગે હેડિંગ કર્યું છે કે- ટ્રમ્પે અમદાવાદમાં કહ્યુ કે અમેરિકા સાથે પાકિસ્તાનના સારા સંબંધો છે. આ જ લાઇન પર લગભગ તમામ મીડિયાએ ટ્રમ્પના ભાષણનું કવરેજ કર્યું છે. પાકિસ્તાનના પ્રસિદ્ધ ડાન ન્યૂઝ પેપરે આતંકવાદ પર આપવામાં આવેલા ભાષણનો આખો ભાગ કવર કર્યો છે. જોકે, ધ એક્સપ્રેસ ટ્રીબ્યૂન, જિયો ન્યૂઝ અને ધ ન્યૂઝ એન્ડ ડેલી ટાઇમ્સ જેવા મીડિયા જૂથે ટ્રમ્પના ભાષણનો આખો રિપોર્ટ રજૂ નથી કર્યો. ફક્ત એ હિસ્સાને ભારપૂર્વક બતાવ્યો છે જેમાં ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે સારા સંબંધો છે.


ડાન ન્યૂઝ પેપરે ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી પર લાંબો તંત્રીલેખ લખ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન મોદી એક જેવા છે. બંને નેતા દક્ષિણપંથી વિચારધારાની લોકપ્રિયતા અને તેને આગળ ધપાવવાને કારણે ટોંચ પર પહોંચ્યા છે. બંને જ નેતાઓ બહુમત વસ્તી પર અસર કરતા નિર્ણયો કરીને લઘુમતિઓને નજરઅંદાજ કરે છે.

આ લેખમાં ભારતના વડાપ્રધાન મોદીની ખૂબ ટીકા કરવામાં આવી છે. લેખમાં લખવામાં આવ્યું છે કે અમેરિકાને ચેલેન્જ આપી રહેલા ચીનને ટક્કર આપવા માટે અમેરિકા નવી દિલ્હી સાથે પોતાના સંબંધો મજબૂત કરી રહ્યું છે. આ આખી પાવર બેલેન્સની ગેમ છે.

જિયો ન્યૂઝે પણ આ અંગે લેખ લખ્યો છે. એક આર્ટિકલમાં જિયો ન્યૂઝ લખે છે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્‌ર્મ્પના અમદાવાદના ભાષણથી માલુમ પડે છે કે વૈશ્વિક રાજકારણ કઈ તરફ જઈ રહ્યું છે. અમેરિકા ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ભારતને સૌથી મહત્વપૂર્ણ સાથી માને છે.

ટ્રમ્પે વડાપ્રધાન મોદી અને ભારતના લોકતંત્રની જે રીતે પ્રશંસા કરી છે તેના પરથી આ વાત માલુમ પડે છે. જિયો ન્યૂઝ ટ્‌ર્મ્પની ટીકા કરતા લખ્યું છે કે તેમણે પાકિસ્તાનના મુદ્દા કેમ ન ઉઠાવ્યા. કાશ્મીર અને નાગરિકતા સંશોધન કાનૂન પર કંઈ ન બોલાવ બદલ ટ્‌ર્મપની ટીકા કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.