સાબરમતી જેલઃ કાચા કામનાં કેદી પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યો
અમદાવાદ: સતત વિવાદોમાં રહેતી સાબરમતી જેલમાંથી ગઈકાલે તપાસ દરમિયાન વધુ એક વખત કાચા કામનાં કેદી પાસેથી મોબાઈલ ફોન મળવાની ઘટના બની છે.
છેલ્લા કેટલાંક સમયથી સાબમરતી જેલમાંથી મોબાઈલ ફોન મળવાની ઘટનાઓ હવે રોજબરોજની થઈ છે. જેલમાંથી ફોન દ્વારા વ્યવસ્થિત નેટવર્ક બનાવી ખંડણી માંગવાનાં રેકેટનો પર્દાફાશ થયા છતાં જેલ તંત્રને કોઈ શરમ આવતી હોય તેમ લાગતું નથી. રેકેટનો પર્દાફાશ થયાને ઘણો સમય થવા છતાં યોગ્ય તપાસ ન થવાને કારણે હજુ પણ કેદીઓ જેલમાં છૂટથી મોબાઈલ ફોન વાપરી રહ્યાં છે.
ગઈકાલે એક કાચા કામનો કેદી રોનક અરવિંદભાઈ રાવળ સર્કલ યાર્ડ નં.૬માંથી નીકળી મુલાકાત માટે જઈ રહ્યો હતો એ વખતે તેની અંગ જડતી કરતાં તેનાં ખિસ્સામાંથી એક ચાલુ ફોન મળી આવતાં જેલ સ્ટાફ ચોંકી ઉઠ્યો હતો. આ અંગે તુરંત ઉપરી અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. બાદમાં રોનક રાવળ વિરૂદ્ધ પોલીસ કમિશનરનાં જાહેરનામાંની ભંગની કલમો લગાવીને કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
રોનક રાવળ મૂળ બાપુનગર સોનરીયાનો રહેવાસી છે અને જેલમાં સર્કલ યાર્ડ બેરેક નં.૬-૧માં તેને રાખવામાં આવ્યો હતો. હાલમાં રોનકને મોબાઈલ ફોન કોણે પહોંચાડ્યો. તેનો શું ઉપયોગ થયો હતો અને જેલનાં સ્ટાફમાંથી કોણ સંડોવાયેલું છે એ તમામ પ્રશ્નોનાં જવાબ મેળવવાનનો પ્રયત્ન થઈ રહ્યો છે.