સ્ટીવ સ્મિથ નંબર ૧ બેટ્સમેન બન્યો, કોહલી બીજા સ્થાને
લંડન, ઓસ્ટ્રેલિયન રન-મશીન સ્ટીવ સ્મિથ વિરાટ કોહલીને પાછળ છોડીને વર્લ્ડ નંબર ૧ ટેસ્ટ બેટ્સમેન બની ગયો છે. ન્યૂઝીલેન્ડ સામેની વેલિંગ્ટન ટેસ્ટમાં ૨ અને ૧૭ રન કર્યા બાદ ઇન્ડિયન કેપ્ટનને ૫ પોઈન્ટ્સનું નુકસાન થયું છે. તે ૯૦૬ પોઈન્ટ્સ સાથે બીજા સ્થાને છે. જ્યારે સ્મિથના ૯૧૧ પોઈન્ટ્સ છે. કોહલી સિવાય અજિંક્ય રહાણે, ચેતેશ્વર પુજારા અને મયંક અગ્રવાલ ટોપ-૧૦માં સ્થાન ધરાવે છે. તેઓ અનુક્રમે ૭૬૦, ૭૫૭ અને ૭૨૭ પોઈન્ટ્સ સાથે આઠમા, નવમા અને દસમા સ્થાને છે. કિવિઝ કપ્તાન કેન વિલિયમ્સને બેસીન રિઝર્વમાં ૮૯ રનની ઇનિંગ્સ રમી હતી અને તે ૮૫૩ પોઈન્ટ્સ સાથે ત્રીજા ક્રમે છે.
ઇન્ડિયન ફાસ્ટર્સ જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી પ્રથમ ટેસ્ટ બાદ ટોપ-૧૦ બોલર્સ રેન્કિંગમાંથી બહાર થઇ ગયા છે. રવિચંદ્રન અશ્વિન ૭૬૫ પોઈન્ટ્સ સાથે વર્લ્ડ નંબર ૯ બોલર છે. બુમરાહ ૭૫૬ પોઈન્ટ્સ સાથે ૧૧મા અને શમી ૭૪૮ પોઈન્ટ્સ સાથે ૧૫મા ક્રમે છે. મેચમાં ૯ વિકેટ ઝડપીને પ્લેયર ઓફ ધ મેચ બનનાર ટિમ સાઉથીને ૯ સ્થાનનો ફાયદો થયો છે. તે ૭૯૪ પોઈન્ટ્સ સાથે છઠ્ઠા સ્થાને છે.